મીઠાપુરના પોલીસ કર્મીને અટકાવી, જીવલેણ હુમલો કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

0

પાંચ અજાણ્યા સહીત સાત શખ્સો સામે રાયોટિંગ સહિતનો ગુનો

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ફરજ ઉપર રહેલા એક પોલીસ કર્મીઓ એક યુવાનને ટપારતા આનાથી ઉશ્કેરાયેલા સાત શખ્સોએ મધરાત્રિના સમયે ફરજ પુરી કરીને જઈ રહેલા આ પોલીસ કર્મચારીને માર્ગમાં અટકાવી, છરી બતાવી, પંચ વડે બેફામ મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં પાંચ અજાણ્યા સહીત સાત શખ્સો સામે હત્યાના પ્રયાસ તથા રાયોટીંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા અને મીઠાપુર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ હીરાભાઈ મથર(ઉ.વ.૨૮)ને મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામે યોજાયેલા ઉર્સના મેળામાં બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી હતી. આથી તેઓ મંગળવારે સાંજથી ફરજ ઉપર હતા. તે દરમિયાન રાત્રિના આશરે ૨ વાગ્યાના સમયે અહીં રહેલી ભીડભાડમાં લાઈનની વ્યવસ્થા કરવાની કામગીરી દરમ્યાન એક છોકરો અડચણ ઊભી કરતો હોવાથી તેને પોલીસ કર્મી પ્રવીણભાઈએ અવ્યવસ્થા ઊભી ન કરવા જણાવ્યું હતું. આથી આ છોકરાએ પ્રવીણભાઈને કહેલ કે “તું મને ઓળખે છે ? હું મેવાસા ગામના પાલાભાઈ માણેકનો દીકરો છું. હું તને જાેઈ લઈશ”- તેમ કહ્યા બાદ સાથે રહેલા કેટલાક શખ્સોએ કોઈને મોબાઈલ ફોન કર્યા હતા. આ પછી રાત્રિના ત્રણેક વાગ્યાના સમયે પોલીસ કર્મી પ્રવીણભાઈ પોતાના પોલીસના યુનિફોર્મ સાથે તેમના મોટરસાયકલ ઉપર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે ત્રણેક વાગ્યાના સમયે મીઠાપુરથી આશરે નવ કિલોમીટર દૂર મોજપ ગામથી ભીમરાણા ગામ વચ્ચે પહોંચતા માર્ગ આગળ બે મોટરસાયકલ ઉપર બેઠેલા શખ્સો દ્વારા તેમનો પીછો કરવામાં આવતો હતો અને થોડી દૂર તેમની મોટરસાયકલને લાત મારી, તેમને પછાડી દીધા બાદ જુદી જુદી મોટરસાયકલમાં આવેલા શખ્સો પૈકી દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા પાલાભા માણેકએ તેમને કહેલ કે “મારા દીકરાને વરવાળા ઉર્સના મેળામાં લાઈનમાં ચાલવાનું કહેલ. તને આજે પતાવી દેવો છે. અમે બધા તૈયારી કરીને આવ્યા છીએ.”- કેમ કહેતા અન્ય ત્રીજી મોટરસાયકલમાં આવેલા બે શખ્સો મળી આરોપી વાલાભાઈ માણેક તેમજ દ્વારકામાં રહેતા સાવજાભા સુમણીયા ઉપરાંત અન્ય પાંચ શખ્સોએ એકસંપ કરી, આરોપી પાલાભાએ હાથમાં પહેરેલા પંચ (બોથડ પદાર્થ) વડે બેફામ માર મારી બીજા હાથમાં રહેલી છરી બતાવી અને કહેલ કે “આજે તો તને મારી જ નાખવો છે. તો હું જીવતો રહે તો ફરિયાદ કરે ને?”- એમ કહી, છરીનો ઘા માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રવીણભાઈએ નિષ્ફળ બનાવી દીધો હતો. આરોપી શખ્સો દ્વારા પોલીસ કર્મીને પછાડી દઈ, બેફામ માર મારી, બોથડ પદાર્થ વડે હુમલો કરી કરતાં અર્ધ બેભાન થઈ ગયેલા પોલીસ કર્મી પ્રવીણભાઈ મથરને આસપાસના રહીશોએ મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમને નાકમાં ફ્રેક્ચરની સારવાર બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, ઉર્સના મેળામાં બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મીને ખાર રાખી, મારી નાખવાના ઈરાદાથી જીવલેણ હુમલો કરવા સબબ મેવાસા ગામના પાલાભા માણેક તથા દ્વારકાના સાવજાભા સુમણીયા ઉપરાંત અન્ય પાંચ શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૩૦૭, ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૩૩૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવે ઓખા મંડળ સાથે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર પ્રસરાવી છે.

error: Content is protected !!