દ્વારકા જગત મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયા ઠાકોરને શીષ ઝુકાવવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે મનમાં રહેલી એક આશા તથા પ્રશ્નો ભગવાનના ચરણોમાં ધરતા હોય છે, અને આ પ્રશ્નો અને શ્રદ્ધા પૂર્ણ થયે ફરી એક વખત પ્રભુના ચરણોમાં ધન્યવાદરૂપે ભેટ સોગાદો ધરી અને શીશ ઝુકાવવા પુનઃ અત્રે આવે છે. ભગવાન દ્વારકાધીશના આવા જ એક ભક્ત એવા મૂળ કલ્યાણપુરના અને હાલ રાજકોટ નિવાસી કમલનયન જેરાજભાઈ ભાયાણી તથા જયશ્રીબેન કમલનયન ભાયાણી પરિવાર તરફથી શનિવારે દ્વારકાધીશ પ્રભુના જગતમંદિરના શિખરે ચતુર્થ નૂતન ધ્વજારોહણ કર્યું હતું. આ તદુપરાંત તેમણે દ્વારકાધીશજીને ચાંદીનો મોરમુગટ, શીશકૂલ, હાર તથા પાવડીના અંદાજિત ૧૩૦૦ ગ્રામ (૧ કિલો ૩૦૦ ગ્રામ) જેટલા ચાંદીના આભૂષણો અર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમની પૌત્રી આસ્થા ભાયાણીના તુલાભાર વિધિમાં ૧ કિલો ચાંદી તથા ભોગ સામગ્રી અને તેમની દોહિત્રી દિત્યા ચિરાગકુમાર દક્ષિણીના તુલાભાર વિધિમાં ૧ કિલો ચાંદી તથા ભોગ સામગ્રી અર્પણ કરી હતી. આમ, કુલ ૩ કિલો ૩૦૦ ગ્રામ ચાંદી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. આ અગાઉ પણ તેમણે દ્વારકાધીશ પ્રભુના જગતમંદિરના શિખરે ત્રણ વખત ધ્વજારોહણ પણ કર્યું હતું.