અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક ફરાર
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા આહીર પરિવારના માતા પુત્ર ગઈકાલે રવિવારે બપોરે મોટરસાયકલ ઉપર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા આ માતા-પુત્રના કરૂણ મૃત્યું નીપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના સીમ વિસ્તારમાં રહેતા હેમીબેન ડાડુભાઈ માડમ નામના ૬૨ વર્ષના આહિર મહિલાને સાથે લઈને તેમના પુત્ર માલદેભાઈ ડાડુભાઈ માડમ(ઉ.વ. ૪૧) સતાપર ગામે આવેલી તેમની વાડી ખાતે તેમના મોટરસાયકલ ઉપર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે પોરબંદર – દ્વારકા માર્ગ ઉપર સતાપર ગામ નજીક પહોંચતા રોડ ક્રોસ કરતી વખતે ભોગાત ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૦૩ એમ.આર. ૫૦૦૮ નંબરના વોક્સવેગન કંપનીની એક મોટરકારના ચાલકે માલદેભાઈના મોટર સાયકલ સાથે ધડાકા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા મોટરસાયકલ ચાલક માલદેભાઈ તથા તેમના માતા હિમીબેનના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી, આરોપી મોટરકાર પોતાની કાર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતક માલદેભાઈના મોટાભાઈ રામશીભાઈ ડાડુભાઈ માડમ(ઉ.વ. ૪૨)ની ફરિયાદ ઉપરથી કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.