ખંભાળિયામાં વેપારી યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

0

કંટાળીને યુવાને ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો : કોર્પોરેટરના પુત્ર સહિતના આરોપીઓની અટકાયત

ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી યુવાને આજથી આશરે ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતક યુવાનના વેપારી પિતાએ અહીંના બે શખ્સો તેમજ જામનગરના એક શખ્સ સામે મરી જવાની દુષ્પ્રેરણા આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખના પુત્ર સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા રામ મંદિર પાસે રહેતા અને અત્રે સતવારા વાડ પાસે દેવ સિલેક્શન નામની રેડીમેઇડ કાપડની દુકાન ધરાવતા વેપારી બિંદેશભાઈ રમણીકલાલ ભાયાણી(ઉ.વ. ૫૩) એ ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તથા વર્તમાન સભ્યના પુત્ર હિરેન કારૂભાઈ માવદીયા(ઉ.વ. ૨૪), અત્રે હરીપર વિસ્તારમાં આવેલી માધવ સોસાયટી ખાતે રહેતા વિવેક પ્રતાપભાઈ બોડા(ઉ.વ. ૨૯) તથા જામનગરમાં રહેતા યશદિપસિંહ કિશોરસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી બિંદેશભાઈના ૨૪ વર્ષીય પુત્ર દેવાંગએ ગત નવેમ્બર માસમાં હિરેન માવદીયા મારફતે યશદિપસિંહ જાડેજા પાસેથી રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા અને તે પેટે દેવાંગે ડિસેમ્બર મહિનામાં આ પાંચ લાખ રૂપિયાનું રૂપિયા ૧.૨૦ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. ત્યાર બાદ પુનઃ જાન્યુઆરી મહિનાના વ્યાજની તેઓએ અવારનવાર માંગણી કરતા દેવાંગે પોતાના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવી, કાકલુદી કર્યા બાદ વિવેક બોડા નામના યુવાને દેવાંગને રૂપિયા ૫૦,૦૦૦ વ્યાજે દીધા હતા. વ્યાજ આપવામાં મોડું થતા એક જ દિવસમાં રૂપિયા પાંચ-પાંચ હજારનો વધારો કરી પૈસા માટે તેના ઉપર દબાણ કરવામાં આવતું હોવા ઉપરાંત દેવાંગ પાસેથી કોરા ચેક લઈ અને તેમાં રકમ ભરી બેંકમાં બાઉન્સ કરવાની ધમકી આપવામાં આવતા તેના દ્વારા ઘરમાં રહેલા સોનાના દાગીના ઉપર ગોલ્ડ લોન પણ લેવામાં આવી હતી. વધતા જતા દેવા તેમજ પઠાણી ઉઘરાણીથી કંટાળીને દેવાંગએ ગત તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ઝેરી દવા પી લેતા તેને અહીંની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. જે-તે સમયે પિતા દ્વારા પોલીસમાં નોંધ કરાવ્યા બાદ આ અંગેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ત્યારબાદ દેવાંગના મોબાઈલ ફોનમાં રહેલી ઉપરોક્ત બાબત અંગેની વોટ્‌સએપ ચેટને જાેતા આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેથી દેવાંગના પિતા બિંદેશભાઈ ભાયાણી દ્વારા પોતાના પુત્ર પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, વધુ રકમ આપવાનું દબાણ કરી, માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૮૬, ૩૦૬, ૫૦૪, ૧૧૪ તથા મને લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. એ.બી. જાડેજા જાડેજા દ્વારા આરોપીઓ હિરેન તથા વિવેકની અટકાયત કરવામાં આવી હતી. જેને આજે સાંજે અહીંની અદાલતમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. ત્યારે યશદિપસિંહ કિશોરસિંહ જાડેજાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવે ખંભાળિયા શહેર તથા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

error: Content is protected !!