છેલ્લા ૨૦ વર્ષથી ચાલતો સ્વાગત કાર્યક્રમ આજે છેવાડાના માનવી માટે સહાયરૂપ બન્યો છે. સ્વાગત કાર્યક્રમ શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉદેશ્ય ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાગતની ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં ગઈકાલે જિલ્લા સ્વાગતની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માએ લોકોના પ્રશ્નોને સાંભળીને તેઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન કર્યું હતુ. જિલ્લા સ્વાગતમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. કુલ ૨૪ જેટલા પ્રશ્નો ગઈકાલે ગુરૂવારે જિલ્લા સ્વાગતમાં કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં માપણી કરવા બાબત, પીવાના પાણીના, જમીનને લગતા પ્રશ્ન, વિગેરે જેવા પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. ૨૪ પૈકી ૨૨ પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યારે બે પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જિલ્લા સ્વાગતમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જાેટાણીયા, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.