વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ર૦૦૩ માં શરૂ કરાવેલા ‘સ્વાગત’ કાર્યક્રમને બે દાયકા પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઇ પણ આયોજન, વ્યવસ્થા જ્યારે તૈયાર થાય ત્યારે તેની પાછળ એક વિઝન અને નિયત હોય છે તે ભવિષ્યમાં કેવી પરિણામદાયી હશે તેના એન્ડ રિઝલ્ટ પણ આ વ્યવસ્થાઓ જ આપે તેવી દૂરંદેશીતા વાળી હોય છે. વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ર૦૦૩માં લોકપ્રશ્નો-પ્રજાવર્ગોની રજૂઆતોના ટેક્નોલોજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાવેલા ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ સ્વાગતને સફળતાપૂર્ણ ર૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ‘સ્વાગત’ના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનના આ પ્રેરણા સંદેશનું ‘બાયસેગ’ના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ ‘સ્વાગત’ની આ બે દાયકાની સફળતામાં નિષ્ઠાપૂર્વકનો પરિશ્રમ કરનારા અને પ્રજાપ્રશ્નોના નિવારણમાં સહયોગી બનેલા કર્મયોગીઓ સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનએ આ તકે જણાવ્યું કે, સરકારનો વ્યવહાર એવો હોય કે સામાન્ય માનવી પોતાની વાત-રજૂઆત સહજતાથી સાંજા કરી શકે અને સરકારને દોસ્ત સમજે. તેમણે કહ્યું કે જ્યારે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ તેમણે ર્નિણય કર્યો હતો કે લોકોની વચ્ચે રહીને અને લોકો પાસેથી જાહેરજીવનમાં જે શિખ્યા, જે અનુભવો મેળવ્યા છે તેને સાથે રાખીને પ્રજાના પ્રશ્નોનું સમાધાન લાવવા નિષ્ઠાપૂર્વક કર્તવ્યરત રહેશે. જનતા જનાર્દનની વચ્ચે, જનતા જનાર્દન માટે રહેવાના સમર્પણમાંથી ‘સ્વાગત’નું વિચારબીજ પ્રગટયું છે એમ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાનએ કહ્યું કે, બે દાયકાની સ્વાગતની આ સફળતા ઇઝ ઓફ લિવીંગ અને રીચ ઓફ ગવર્નન્સ દ્વારા ગુડ ગવર્નન્સના ગુજરાત મોડેલની એક વૈશ્વિક પહેચાન બની ગઇ છે. નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વાગત’ને મળેલા યુ.એન એવોર્ડ, ઇ-ગવર્નન્સ એવોર્ડ અને ભારત સરકારના ગોલ્ડ એવોર્ડ જેવા પુરસ્કારોની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, સફળતાનો સૌથી મોટો એવોર્ડ તો એ છે કે અમને ‘સ્વાગત’ દ્વારા લાખો લોકોની સમસ્યા, પીડા, દુવિધા દૂર કરવાની સેવા તક મળી છે. વડાપ્રધાનએ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં આવતી રજુઆતોના નિવારણ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ રાવ-ફરિયાદ કાને ધરવાની અને ત્વરિત નિરાકરણની જવાબદારી સંભાળી ‘સ્વાગત’ ને સૌ માટે સહજ બનાવ્યો છે તેની પણ વિશેષતાઓ વર્ણવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે, ‘સ્વાગત’ની રજૂઆતો ઉપરથી એક મજબૂત ફિડબેક સિસ્ટમ ઊભી થઇ અને અંતિમ છૌરના વ્યક્તિને મળવાપાત્ર લાભ મળે છે કે કેમ, કોઇ પરેશાની કે કનડગત નથી ને, હક્કનું મળે છે કે કેમ તેવા ફિડબેક મળતા થયા. એટલું જ નહિ, જન સામાન્યની તકલીફ, શિકાયતોની સીધી જાણકારી મુખ્યમંત્રી સ્તરે મળવાથી તેના નિવારણના કર્તવ્યપાલનની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી શકાઇ છે. સ્વાગતે જન સામાન્યમાં એક વિશ્વાસ ઉભો કર્યો અને આ જ ‘સ્વાગત’ મોડેલની પરિપાટીએ હવે તેમણે ભારત સરકારમાં ‘પ્રગતિ’ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાનએ કહ્યું કે આ ‘પ્રગતિ’ કાર્યક્રમને પરિણામે પાછલા ૯ વર્ષોમાં વિકાસ કામોની ગતિમાં પ્રગતિએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વડાપ્રધાનએ જણાવ્યું કે, લોકતંત્રની સફળતાનું મહત્વપૂર્ણ ત્રાજવું એટલે પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ સમગ્ર દેશમાં દાયકાઓ સુધી સરકારોમાં એવી માન્યતા હતી કે બની-બનાવેલી નીતિઓના આધારે જ વ્યવસ્થાઓ ચાલતી એનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ ગૌરવ સહ જણાવ્યું કે ગુજરાતે ‘સ્વાગત’ના માધ્યમથી આ આખીયે સોચ બદલવાનું કામ કર્યુ છે. ગર્વનન્સ એટલે નિયમો, કાનૂન, જૂની પદ્ધતિઓ કે નીતિઓ જ નહિં, આઇડીયાઝ-ઇનોવેશનથી ગવર્નન્સને જીવંત-સંવેદનશીલ બનાવી શકાય તેવી પરિપાટી ‘સ્વાગત’થી ઊભી થઇ છે. ‘સ્વાગત’ અનેક રાજ્યો માટે મોડેલ કેસ સ્ટડી બન્યો છે અને રાજ્ય સરકારો તેને અપનાવતી થઇ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાનએ ‘સ્વાગત’નું વિચારબીજ બે દાયકામાં ગુડ ગવર્નન્સનું વટવૃક્ષ બન્યું છે અને આવનારા દિવસોમાં હજારો નવા ઇનોવેશન્સને જન્મ આપનારી એક સુદ્રઢ વ્યવસ્થા બની જશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. તેમણે ‘સ્વાગત’ના ર૦૦૩ના વર્ષના પ્રથમ રાજ્ય સ્વાગતના લાભાર્થી સહિતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વાગતની સાર્થકતા-યથાર્થતા પણ લોકો સમક્ષ મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રજા કલ્યાણની સર્વોપરીતા એ ગુડ ગવર્નન્સ તરફનો રાજમાર્ગ છે. પ્રજા કલ્યાણ માટે કાર્યરત વહીવટી તંત્રએ લોકોની રજૂઆતો માટે સંવેદનશીલ અભિગમ દાખવવો જ પડે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં સ્વાગત કાર્યક્રમ શરૂ કરાવી આ અભિગમને ફળીભૂત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલા આગળ ચાલી, કંઈક નવું જ વિચારી પ્રજાના હિતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તે વડાપ્રધાનની ખાસિયત છે. ૨૦૦૩માં જ્યારે દેશમાં ઓનલાઇન ફરિયાદ નિવારણ માટેની ટેકનોલોજી વિશે વાતો થતી હતી ત્યારે વડાપ્રધાનએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવી દીધો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ફરિયાદ નિવારણની મજબૂત મિકેનિઝમ વિના સરકાર કે તેનું વહીવટી તંત્ર ક્યારેય અસરકારક કે જવાબદાર બની શકે નહીં, લક્ષિત પરિણામો આપી શકે નહીં. સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હાર્દ જનતાની સમસ્યા જાણી, તેનું નિવારણ કરી, રાજ્ય સરકારના નીતિવિષયક ર્નિણયોમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સતત બે દાયકાથી સ્વાગત કાર્યક્રમ લોકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ કરવાનો સફળ સેવાયજ્ઞ બની ગયો છે. એટલું જ નહીં, નાગરિકોને યોજનાકીય લાભો મળ્યા છે અને તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. સામાન્ય માનવીની રજૂઆતો- સમસ્યાના સમાધાન માટેની ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થાને વૈશ્વિક પ્રતિષ્ઠા મળી છે. આ તકે મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમને મળેલા યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારના નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ પુરસ્કારનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌને આદરણીય વડાપ્રધાનના પદચિન્હો ઉપર ચાલી ગુજરાતને સુશાસનનું અને ફરિયાદ નિવારણનું વર્લ્ડ-ક્લાસ મોડલ બનાવવા સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. સ્વાગતના બે દાયકા પૂર્ણ થવા અવસરે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં યોજેલા સ્વાગત સપ્તાહને પણ વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે. સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ ૪૩ હજાર ઉપરાંત રજૂઆતો મળી હતી તેમાંથી ૯૩ ટકા એટલે કે ૪૦ હજાર પાંચસો ઉપરાંત સમસ્યાઓનું નિવારણ આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુરૂવાર તા.ર૭ મી એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં મળેલી રજૂઆતો પણ મુખ્યમંત્રીએ કાને ધરીને સંબંધિત વિભાગોને-જિલ્લાઓને ત્વરિત નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું.