પિતા સંદેશભાઈ શાહીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય” કાર્યક્રમ દ્વારા રાજકોટ જિલ્લાની વધુ એક બાળકીને સ્વસ્થતાનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની સંધ્યાની જન્મજાત ન્યૂરલ ટ્યુબની ખામીને અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્જરી કરી દૂર કરવામાં આવી છે. જેતપુર શહેરના સંદેશભાઈ શાહીની દીકરી સંધ્યાનો તા.૧-૧-૨૦૧૯ના રોજ જન્મ થયો હતો. તેના માતા-પિતાને આ બાળકી જન્મી ત્યારે જ તેને પીઠ પાછળ ગાઠ હોવાનું જણાતું હતું. RBSK ટીમ દ્વારા ઓદ્યોગિક વિસ્તારમાં સર્વે કરતાં આ બાળકી મળી હતી. આર.બી.એસ.કે. ટીમના ડો.જયેશ પાઘડાર અને ડો.રાધિકા હીરપરાએ આ બાળકીનું સ્ક્રિનિંગ કરતા પીઠ પાછળ મોટી ગાઠ હોવાનું જણાતા સંધ્યાને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. પી.ડી.યુ.હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા તેને ન્યૂરલ ટ્યુબની ખામી જણાતાં સંધ્યાને વિનામુલ્યે સારવાર માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતે સંદર્ભ કાર્ડ ભરાવી સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવી. ન્યુરલ ટયુબની ખામી જેને તબીબી ભાષામાં NTDs કહેવાય છે, NTDs ત્યારે થાય જ્યારે ન્યુરલ ટ્યુબ યોગ્ય રીતે બંધ ન થાય. ન્યુરલ ટ્યુબ પ્રારંભિક મગજ અને કરોડરજ્જુ બનાવે છે. આ પ્રકારની જન્મજાત ખામીઓ ગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ વહેલી વિકસે છે, ઘણીવાર સ્ત્રીને ખબર પડે કે તે ગર્ભવતી છે તે પહેલાં પણ. ન્યુરલ ટયુબની ખામીના બે સૌથી સામાન્ય પ્રકાર છે સ્પાઇના બિફિડા (કરોડરજ્જુની ખામી) અને એન્સેફાલી (મગજની ખામી). જેમાં સંધ્યાને સ્પાઇના બિફિડા (કરોડરજ્જુની ખામી) હતી. સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે નિષ્ણાંત તબીબોએ આ બાળકીને ન્યૂરલ ટ્યુબની ખામી માટે તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. સર્જરીની વાત સાંભળતા જ સંધ્યાના માતા-પિતા સામે ઓપરેશનનો આટલો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો ? એ યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો, પરંતુ શાળા આરોગ્ય /આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો હતો. તા.૨-૧૧-૨૦૨૨ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી, હાલ આ બાળકી એકદમ તંદુરસ્ત છે. આ સમગ્ર પ્રક્રિયામાં આર.બી.એસ.કે. ટીમ, સિવીલ હોસ્પિટલ રાજકોટ અને સિવીલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા હતા. સંધ્યાના પરિવારજનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આ યોજનાનો લાભ દેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વર્તમાન બાળક ભારતનું ભવિષ્ય છે ત્યારે સ્વસ્થ બાળક થકી જ સ્વસ્થ ભારતનુ નિર્માણ થશે, તે વિચાર સાથે સરકાર દ્વારા આ યોજના અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ દરમ્યાન અંદાજે ચાર લાખ જેટલા બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારની તકલીફ ધરાવતા બાળકોને જિલ્લા સ્તરે સારવાર કરી આપવામાં આવે છે. ગંભીર તકલીફોમાં અમદાવાદ ખાતે યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરી બાળકની બીમારી/તકલીફોને દૂર કરવામાં આવે છે. સામાન્યતઃ જિલ્લામાં વર્ષ દરમ્યાન અંદાજે ૧૭૦ જેટલા બાળકો ગંભીર બીમારીવાળા જાેવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા આ તમામ બાળકોને કોઈપણ ખર્ચ મર્યાદાના બંધન વિના સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે.