“માત્ર પાકી છત નહીં, ગેસ, વીજળી, પાણી જેવી સુવિધાઓથી સુસજજ “ઘરના ઘર”નું સ્વપ્ન સરકારે સાકાર કર્યું છે” : લાભાર્થી પારૂલબેન ગોહેલ
માત્ર બોલીને નહી પરંતુ જનતાની આશા – અપેક્ષાઓને પૂરી કરીને રાજ્ય સરકારે સાબિત કરી બતાવ્યું છે કે, જનતાનું હિત એ જ સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે છે. આજ રોજ “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ ૪૨ હજારથી વધુ નાગરિકોના “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર કરવાની સંકલ્પનાને પૂર્ણ કરવામાં રાજ્ય – કેન્દ્ર સરકાર વધુ એક કદમ આગળ વધી છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં “પ્રધાનમંત્રી આવાસ યોજના”ના લાભાર્થી પારૂલબેનના જીવનમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ આમૂલ પરિવર્તન લાવી છે. આંખોમાં હરખ અને અવાજમાં ખુશીના જાેમ સાથે પારૂલબેને જણાવ્યું હતું કે, આજે મારૂ “ઘરના ઘર”નું સ્વપ્ન પૂર્ણ થતા હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ. અમારા આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમને ૧૦૦ ચોરસ વારનો પ્લોટ વિના મૂલ્યે ફાળવવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂા.૧,૨૦,૦૦૦ની બાંધકામ સહાય, રૂા.૨૦,૧૬૦ની મનરેગા, સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ) હેઠળ રૂા.૧૨,૦૦૦ શૌચાલય નિર્માણ માટે અને રૂ. ૫૦૦૦ની બાથરૂમ નિર્માણ સહિતની કુલ રૂા.૧,૫૭,૧૬૦ની સહાય મળી છે. આજે મને ખાલી પાકી છત નહી પરંતુ ગેસ, પાણી અને વીજળી સહિતની સુવિધાઓથી સુસજ્જ ઘર મળ્યું છે. સરકારની આયુષ્માન કાર્ડ અને ઈ – શ્રમ યોજનાનો લાભ પણ અમને મળ્યો છે. એમ કહીએ તો પણ ચાલે કે સરકારની બધી યોજનાઓને કારણે મને ખુશીઓનો ખજાનો મળ્યો છે. ભાડાના ઘરમાંથી પોતાના પાકા ઘરમાં રહેવાનું સૌભાગ્ય આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનુ છું. સરકારે અમારા માટે ઘણું કર્યું છે એટલે મારાથી સમાજની જેટલી સેવા થશે તેટલી સેવા હરહંમેશ તત્પર રહીને કરીશ એમ લાભાર્થી શ્રી પારૂલબેન ગોહેલએ કહ્યું હતું.