દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ગામોમાં ૧૨૨ લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂા.૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૨ ગામોમાં પણ ૧૨૨ લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો હતો. ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે ઇન્ચાર્જ કલેકટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમણે પોતાના નવા ગૃહમાં પ્રવેશ કરનાર લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પણ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખંભાળિયામાં યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમ શહેરના ૨૦ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૬ નગરપાલીકાના ૬૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. લાભાર્થીઓએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
૪૦ વર્ષ ભાડાના મકાનમાં રહ્યા બાદ પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું : જયશ્રીબેન ભટ્ટ
“અમે ૪૦ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમારૂ પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે” તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના રહેવાસી જયશ્રીબેન ભટ્ટે જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પણ નવનિર્મિત આવાસોમાં ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦ વર્ષ ભાડાના મકાનમાં રહ્યા બાદ પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા લાભાર્થી જયશ્રીબેને ઉત્સાહ સાથે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી તેમનું મંતવ્ય જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારું પોતાનું ઘર હોય તે સ્વપ્ન પણ પૂર્ણ થશે. પરંતુ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળી અને આ શક્ય બન્યું… અમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળતાં નગરપાલિકામાં આ યોજના વિશે તપાસ કરી. તપાસ કરવા જતાં અમને ત્યાંથી એક ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું અને એ બાદ આ સહાય મળતા અમારૂ સ્વપ્ન પૂર્ણ થયું છે.” અનેક લોકોના પોતાના ઘર હોય તે સ્વપ્ન પૂર્ણ કરવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!