દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર-ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો : કેન્દ્રના વિવિધ વિભાગોમાં ૩૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી

0

ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે : સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે : ડો. મનિષ દોશી

ભાજપાના સાંસદો પોતાનો પ્રગતિપથ ખુલે, પોતાની રોજગારી ટકી રહે તે માટે વારંવાર મહિમામંડન કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભરતી, ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમજ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડો ચાલી રહ્યાં છે. મોંઘા શિક્ષણ બાદ યુવાનો ને રોજગારી મળતી નથી. શિક્ષણમાં ૩૨ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે બીજીબાજુ ટેટ-ટાટ પાસ થયેલા ૫૦ હજારથી વધુ યુવાનો શિક્ષક બનવા માટે રાહ જાેઈ રહ્યાં છે. ઉચ્ચ શિક્ષણમાં પણ સરકારી અને ગ્રાન્ટેડમાં ૫૫ ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી, યુનિવર્સિટીમાં ૪૫ ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. ટેક્નિકલ શિક્ષણમાં પણ ડીગ્રી ઇજનેરી – ૪૫ ટકા જેટલા અધ્યાપકો, ડિપ્લોમા ઇજનેરી- ૫૦ ટકા જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે, ડીગ્રી-ડિપ્લોમા સહિતની કોલેજમાં લેબોરેટરી / વર્કશોપમાં પણ ૬૫ ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે વિધાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં મોટાભાગના સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભાજપ સરકાર ભરતી કરતી નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતી કરવાને બદલે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટપ્રથાથી ગુજરાતના યુવાનોનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યસભા સાંસદ પોતે હકીકત જાણે અને મહિમા મંડન કરવાની જગ્યાએ ગુજરાતના યુવાનોને કેમ કરીને રોજગાર મળે તેની ચિંતા કરે. ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે બીજી બાજુ ભાજપ સરકાર લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાતી નથી દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે, ભાજપ સરકારે દર વર્ષે ૨ કરોડ રોજગાર એટલે કે ૯ વર્ષમાં ૧૮ કરોડ રોજગાર આપવાને બદલે ૨ કરોડથી વધુ રોજગાર છીનવી લીધા. હકીકતમાં તો રેલવે, ગૃહ, રક્ષા, ઓડિટ, પોસ્ટ, રેવન્યુ સહિતનાં વિભાગોમાં પણ ૧૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી છે રેલ્વેમાં ૨.૯૩ લાખ, રક્ષા વિભાગમાં ૨.૬૪ લાખ, ગૃહ વિભાગમાં ૧.૪૩ લાખ, પોસ્ટ્‌સમાં ૯૦૦૫૦, રેવન્યુમાં ૮૦૨૪૩, ઓડિટમાં ૨૫૯૪૩ સહીત ૩૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ૮ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ભાજપ સરકારના શાસનમાં આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ-રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો જેટલો ભ્રષ્ટાચાર કરી આઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ૪૦ થી ૫૫ ટકાની નાણાં ચૂકવી રહ્યા છે. કેન્દ્ર સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નામે કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે- પરીક્ષા માટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા આઠ વર્ષમાં વસૂલી લીધા પણ મોટાભાગની ભરતીઓની પરીક્ષા યોજાઈ નથી, જે પરીક્ષા યોજાઈ તેમાં પણ પરિણામ બાકી છે. ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં સતત પેપર ફૂટવા સહિતની ભરતી પરીક્ષાઓમાં અનેક પ્રકારની ગેરરીતોઓ સામે આવી છે. ૮૦૦૦ ગામડાઓમાં તલાટીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહીત મેડીકલ સ્ટાફની મોટાપાયે ઘટ છે. આરોગ્ય વિભાગમાં ૯૯ ટકા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી, માર્ગ અને મકાન વિભાગ, જળસિંચાઈ, વોટર રિસોર્સ, નર્મદા સહિતનાં વિભાગોમાં મોટા પાયે જગ્યાઓ ખાલી છે બીજી બાજુ મોટાભાગના એન્જીનીયર વર્ક ડ્રોઈંગ, પ્રોજેકટ ડોક્યુમેન્ટ, સુપરવિઝન, ઇન્સ્પેકશન, સહિતના મોટા ભાગનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૫-૧૫ વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો અને કેન્દ્રના રેલ્વે, રક્ષા, રેવન્યુ સહિતના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી લાખો સરકારી જગ્યાઓને સત્વેરે ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

error: Content is protected !!