રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ,રેલ્વે અને એઇમ્સના કુલ ૨૦૩ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા
દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટ વિભાગના ૧૭૪ અને રેલવે તથા એઈમ્સના ૨૯ મળી કુલ ૨૦૩ ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, નિમણૂંક પત્ર મેળવ્યા બાદ તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાનના કાર્યકાળને સફળતાપુર્વક ૯ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ઉપરથી કરેલી ૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાની ઘોષણા આજે પરિપૂર્ણ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આઝાદીના ૭૫ વર્ષના “અમૃત મહોત્સવ”ના સમયકાળમાં ૧૦૦ વર્ષ પછી ભારત કેવું હશે તેનું નિર્માણ કરવાની તક નવનિયુક્ત યુવાઓને તક સાંપડી છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિકતા જેવા ગુણ સાથે નોકરી કરીને નાગરિક કર્તવ્ય નિભાવવું જાેઈએ. આ તકે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાના ભાવ સાથે કાર્ય કરવા ઉપરાંત સતત નવું શીખવા અને આવડતને વધુ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો. સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનું અનેક યુવાનોનું સપનું હોય છે. અહીં ઉપસ્થિત ઉમેદવારોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. ત્યારે અરજદારો પરેશાન ન થાય અને તેઓની અપેક્ષાઓ પૂર્ણ થાય, તેનું ખાસ ધ્યાન રાખે. તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સરકારી નોકરી કરવાની અમૂલ્ય તક દીપાવે. સાંસદ રામભાઈ મોકરીયાએ દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ રોજગાર મેળા થકી અનેક યુવાઓના સ્વપ્નો સરકાર સાકાર થશે. અમૃત ભારતના નિર્માણમાં દરેક નવનિયુક્ત યુવાઓ પૂરા દિલથી કામ કરે અને દેશની સેવા કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પોસ્ટમાસ્ટર જનરલ બી. એલ. સોનલ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના રોજગાર મેળાનો કાર્યક્રમ તથા શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ તકે ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડી.આર.એમ. અનિલકુમાર જૈન, એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો.(કર્નલ.) સી.ડી.એસ.કટોચ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પલકબેન ત્રિવેદીએ કર્યું હતું.