જૂનાગઢ મનપામાં ૧૪પ૬ના સેટઅપ સામે ૭૪૩ જગ્યા ખાલી ! અબજાે રૂપીયાના વિકાસના કામો રામ ભરોસે

0

તાત્કાલીક અસરથી નિમણુંક નહી કરવામાં આવે તો વિકાસના અનેક કામોને ગંભીર અસર થશે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકારે આપેલી વિવિધ પ્રકારની ગ્રાન્ટો અંતર્ગત જુદા-જુદા કામો હાથ ધરી વિકાસની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પરંતુ વિકાસની આ પ્રક્રિયા રામ ભરોસે ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આધારભુત રીતે પ્રાપ્ત અહેવાલ અનુસાર મહાનગરપાલિકામાં સ્ટાફની ઘટ ઘણા સમયથી છે. ૧૪પ૬ના સેટઅપ સામે ૭૪૩ જગ્યા હાલ ખાલી છે. જયારે મુખ્ય શાખાઓના અધિકારીઓ પાસે અન્ય શાખાઓનો ચાર્જ છે. આમ એક તરફ સ્ટાફની ઘટ અને એક અધિકારી ઉપર અન્ય શાખાનું ભારણ રહેતું હોય વિકાસ કાર્યોને ગંભીર અસર પહોંચવાની શકયતા રહેલી છે અને તાત્કાલીક અસરથી મહાનગરપાલિકામાં ઘટતી જગ્યા ભરવા માટે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં મહત્વની ચાવીરૂપ ગણાતી પોસ્ટ ઉપરના ૧૦થી વધુ અધિકારી ડિસેમ્બર સુધીમાં રિટાર્યડ થવાના છે. જેના કારણે હાલ મનપામાં ચાલી રહેલા અબજાે રૂપિયાના પ્રોજેક્ટો ભગવાન ભરોસે મૂકાઇ જશે. જાે સયમસર અધિકારીઓની નિમણુંક કરવામાં નહિ આવે તોરસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, ગેસની લાઇન, બાંધકામ સહિતની કામગીરીને ભારે અસર થશે. પરિણામે જૂનાગઢની જનતાને હેરાનગતિનો પાર નહિ રહે. એક તો જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્ટાફની ઘટ છે. ૧,૪૫૬ના સેટઅપ સામે ૭૪૩ જગ્યા ખાલી છે. જ્યારે ૨૦ મુખ્ય શાખા અધિકારી પૈકી ૧૭ શાખા અધિકારી પાસે અન્ય શાખાનો પણ ચાર્જ છે. આમ, હાલમાં ઇન્ચાર્જથી ગાડું ગબડાવાય રહ્યું છે. એમાં પણ જૂન, જૂલાઇથી લઇને ડિસેમ્બર સુધીમાં મહત્વની પોસ્ટ ગણી શકાય તેવી જગ્યાના ૧૦થી વધુ અધિકારીઓ રિટાર્યડ થઇ રહ્યા છે. બીજી તરફ શહેરમાં અબજાે રૂપિયાના વિકાસ કામો ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં બીજા થવાના છે. ત્યારે જે અધિકારીઓ રિટાર્યડ થાય છે તેની જગ્યા ઉપર રેગ્યુલર અધિકારીની નિમણુંક કરવામાં નહિ આવે અને આઉટ સોર્સિંગથી કે ઇન્ચાર્જથી ગાડું ગબડાવવાનો પ્રયાસ કરાશે તો વિકાસનું ગાડું ગડથોલીયું ખાઇ જશે. કારણ કે, જે લોકોની ક્ષમતા ન હોય તેને માત્ર ચાર્જ આપી તેની પાસેથી કામ લેવામાં આવશે તો કામનું રિઝર્લ્ટ નહિ મળે અને ભવિષ્યમાં જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ તો મનપામાં કાર્યપાલક ઇજનેર લલીતભાઇ વાઢેર નિવૃત્ત થયા બાદ તેનો ચાર્જ આસિસ્ટન્ટ ઇજનેર સિવીલને સોંપાયો છે જે પણ નિવૃત્ત થશે. જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર રિટાયર્ડ થશે, ઇલેકટ્રીશ્યન વાયરમેન, સિનીયર અને જૂનિયર કલાર્ક સહિત ૧૦થી વધુ અધિકારીઓ જૂનથી લઇને ડિસેમ્બર સુધીમાં નિવૃત્ત થશે.પરિણામે રોડ, રસ્તા, ગટર, બિલ્ડીંગ બાંધકામ મંજૂરી, ટેન્ડર બનાવવા સહિતની તમામ કામગીરી પ્રભાવિત થશે.
રેગ્યુલર ભરતી કરવા માંગ
મનપામાં જાે રેગ્યુલર ભરતી નહિ કરે અને આઉટ સોર્સિંગથી ભરતી થશે તો લાગતા વળગતાની ભરતી થશે. પગાર ઓછો હોય ક્વોલીફાઇડ, ટેક્નિકલ નોલેજ ધરાવતા અને અનુભવી અધિકારી નહિ મળે. આઉટ સોર્સિંગથી ભરતી થશે તો તેની કામમાં સહિ પણ ન હોય ભષ્ટાચાર થશે તો જવાબદારીમાંથી છટકી જશે.
વિવિધ કામોને અસર થશે
સીટી બસ સેવા, કચરામાંથી સીએનજી ગેસ બનાવવો, રેલવે ઓવરબ્રિઝ સહિતના કામો પૂરતા અધિકારીઓના અભાવે ટલ્લે ચડશે.
કુલ ૫૦થી વધુ રિટાયર્ડ થશે
મુખ્ય ૧૦ અધિકારી ઉપરાંત પટ્ટાવાળા, ડ્રાઇવરો, મજૂરો, સફાઇ કામદારો સહિત ૫૦થી વધુ કર્મીઓ રિટાર્યડ થશે. ત્યારે જાે જગ્યા નહિ ભરાય તો બાકીના કર્મીઓ ઉપર કામનું ભારણ વધશે.
પ્રભાવિત થનારા કામો
જૂનાગઢ શહેરમાં તળાવનું ૬૦ કરોડથી વધુનું કામ, ભૂગર્ભ ગટરનું ૨૫૦ કરોડનું પ્રથમ ફેસનું કામ ચાલુ છે, બીજા ફેસમાં ૨૫૦ કરોડનું કરવાનું છે, પાણી પુરવઠાના ૧૨૫ કરોડના કામો છે, ૬ વોર્ડમાં ગેસ લાઇનના ૫૫ કરોડના કામો વગેરેમાં ટેક્નિકલ અધિકારીના અભાવે મુશ્કેલી પડશે તેમ વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું. અંતમાં જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોને સંપુર્ણ રીતે પ્રજા ઉપયોગી બનાવવા હોય તો સ્ટાફની ભરતી તાત્કાલીક જરૂરી છે અને વિકાસની પ્રક્રિયાને તો જ વેગ મળી શકે છે તેવું જાણકારોનું કહેવું છે.

error: Content is protected !!