જૂનાગઢ સહિત દેશભરમાં આવતીકાલથી રૂા.ર હજારની નોટો બદલવાની કામગીરીનો પ્રારંભ થશે

0

સરકારની સુચના મુજબ સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકાશે : વ્યકિતદિઠ રૂા.ર૦ હજારની મર્યાદા નિશ્ચિત કરાઈ છે

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ર હજાર રૂપીયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયને પગલે આમ જનતામાં અફરાતફરી જેવો માહોલ પ્રર્વતી ગયો હતો પરંતુ આ સાથે જ સરકાર અને રિઝર્વ બેંક દ્વારા ર હજારની નોટ જમા કરવવા બાબતની સુચના પત્ર જારી કરતી સ્પષ્ટતાઓ જારી કરવામાં આવ્યા બાદ લોકોને નિરાંત અનુભવી છે. દરમ્યાન આવતીકાલથી જ જૂનાગઢ સહિત દેશભરમાં ર હજારની નોટ બેંકોમાં જમા કરવવાની કાર્યવાહી શરૂ થઈ રહી છે ત્યારે લોકોએ કોઈજાતના ઉચાટ રાખ્યા વિના શાંતીપુર્ણ રીતે આ કાર્યવાહીમાં સામેલ થવાની હૈયાધારણા આપવામાં આવી છે. જૂનાગઢમાં દિવાન ચોક ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ નોટ બદલવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરમ્યાન બેંકના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારની સુચના મુજબ સપ્ટેમ્બર સુધી રૂા.ર હજારની નોટ ગ્રાહક બદલી શકશે અને રૂા.ર૦ હજાર સુધીની છુટ આપવામાં આવી છે અને આવતીકાલથી બેંકો નોટ બદલવાની કાર્યવાહી કરનાર છે ત્યારે લોકોએ શાંતીપુર્વક રીતે આ કાર્યવાહીમાં જાેડાઈ અને નોટો બદલવા અપીલ કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ ર હજાર રૂપીયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને આ નોટો બદલવાની કામગીરીનો આરંભ ર૩મી એટલે કે આવતીકાલેથી મંગળવારથી શરૂ થઈ જશે. નોટો બદલવા માટે આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે રોકડ જમા કરાવવાના નિયમોનું પાલન કરે. દેશની બેંકો દ્વારા આના માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે કે, આ વખતે ઓછી નોટો અને પર્યાપ્ત સમય હોવાના કારણે બેંકો ઉપર ભીડ એકઠી થવાની સંભાવના નથી. આરબીઆઈના દિશાનિર્દેશો બાદ બેંકો તરફથી નોટો બદલવા સંબંધિત પરિપત્રો જારી કરવામાં આવી રહ્યા છે. વધુમાં આરબીઆઈએ બેંકોને નોટો બદલવા માટે કેશ ડિપોઝિટના નિયમો પાળવા કહ્યું છે. અત્યાર સુધી નોટો બદલવા માટે કોઈ જ ફોર્મ જારી કરવામાં આવ્યા નથી. આરબીઆઈ તરફથી પણ આવી વ્યવસ્થા માટે કોઈ નિર્દેશ નથી કે નોટો બદલવા ફોર્મ ભરવું પડશે કે પછી ઓળખપત્ર આપવું પડશે. દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈએ સોશ્યલ મીડિયા ઉપર ચાલતી અટકળો વચ્ચે સ્પષ્ટતા આપી છે કે, નોટ બદલવા માટે કોઈ જ ફોર્મ ભરવાની આવશ્યકતા નથી. કેન્દ્રીય બેંક તરફથી આના માટે પણ કોઈ સુચના અપાઈ નથી. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર કોઈ ઓળખપત્ર પણ નોટ બદલવા માટે આપવાની આવશ્યકતા નથી. એસબીઆઈએ પણ જણાવ્યું છે કે, બેંકો ઉપર ર૦૦૦ની નોટો બદલવા માટે કોઈ ઓળખપત્ર આપવાની જરૂર પડશે નહી. લોકો આસાનીથી બેંક ઉપર જઈને નિર્ધારિત મર્યાદા સુધીની નોટો બદલી શકશે. નોટ બદલવા માટે કોઈ બેંક શાખામાં જઈને બદલી શકાશે. જાે એ બેંકમાં તમારૂ ખાતુ હોય તો તેમાં નાણાં જમા પણ કરાવી શકાશે. ર૦ હજાર રૂપીયા સુધીની નોટો બદલવા માટે કે જમા કરાવવા માટે કોઈ ફોર્મ કે સ્લિપ ભરવાની રહેશે નહી. આવી જ રીતે કોઈ આઈડી પ્રુફ પણ જમા કરાવવાનું નથી. આરબીઆઈ દ્વારા એક દિવસમાં એક વ્યકિત માટે ર૦૦૦ રૂપીયાની ૧૦ નોટ મહત્તમ બદલવાની મર્યાદા મુકેલી છે. જયારે બેંક ખાતામાં ર હજારની નોટો જમા કરાવવા માટે કોઈ જ મર્યાદા નથી. આ કામગીરી કરવા માટે લોકો પાસે ર૩મી મેથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છે. લોકો એક દિવસમાં ર૦ હજાર રૂપીયા સુધીની રોકડ બદલી શકશે. જાે કે નાણાં ખાતામાં જમા કરાવવા માટેના કેવાયસીના નિયમો લાગું રહેશે. જે લોકો પાસે કોઈપણ બેંકમાં ખાતુ નથી તે વ્યકિત પણ કોઈપણ બેંક શાખા ઉપર જઈને એક દિવસમાં ર૦ હજાર રૂપીયા સુધી ર હજારની નોટો બદલી કરી શકશે.

error: Content is protected !!