અનેકવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ દાદ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કમિશનર દ્વારા લોકોની સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ માટે એક વ્હોટસએપ નંબર જારી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે. લોકો પોત-પોતાના વિસ્તારના પ્રશ્નો-સમસ્યાઓ અંગે વ્હોટસએપ ઉપર ફરિયાદ વ્યકત કરી શકે અને ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા લોકોના પ્રશ્ન હલ થઈ શકે તેવું આયોજન કરવા આમ જનતાની લાગણી અને માંગણી છે.
ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરની જનતાને અનેક સમસ્યાનો સામનો કરવો પડશે અને દર વખત કરે છે. હાલના સમયમાં એક તરફ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ ચોમાસું શરૂ થાય તે પહેલા વોકળાની સફાઈ કરવી જરૂરી છે. આ કામો ઉપરાંત આમ જનતાના અનેક પ્રશ્નો-સમસ્યાઓ રહેલા છે. બે દિવસ પહેલા જ જૂનાગઢના એક વિસ્તારમાં પાણીના ખાબોચ્યામાં ટેન્કર ખુંચી ગયું હતું. આ બનાવ તો વારંવાર બની રહ્યા છે. રસ્તાઓ બની ગયા પછી વારંવાર તોડફોડ કરવામાં આવે છે. જે રસ્તાઓ વિવિધ કામગીરી સબબ તોડવામાં આવ્યા હોય અને ત્યાં રીપેરીંગનું કામ કેટલા વિસ્તારોમાં પુરેપુરૂ થયું નથી અને મુખ્ય માર્ગો સહિતના માર્ગો ઉપર કામ પુરતા કામ ચલાઉ રીતે ટાચોડો પાથરી દેવામાં આવ્યો છે અને જેના કારણે ચોમાસાના સમયમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકો માટે આર્શીવાદરૂપ બનવા કરતા મુશ્કેલીના સંકટ સમી ભાસી રહી છે. દરેક વિસ્તારમાં લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ જાે જાણવામાં આવે તો જ સાચી ખબર પડે કે જૂનાગઢની પ્રજા કેટલા પ્રશ્નોથી પીડાઈ રહી છે અને લોકોના પ્રશ્નો-સમસ્યા સાંભળવાની ફુરસત પણ જવાબદારોને છે નહી અને ફરિયાદો સાંભળ્યા બાદ પણ યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાની પણ અનેક ફરિયાદો છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક વ્હોટસએપ નંબર જારી કરવામાં આવે અને આ વ્હોટસએપ નંબર ઉપર લોકો પોતાની સમસ્યા અને ફરિયાદ મોકલી શકે તે માટે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. પ્રજાની ફરિયાદનો તાત્કાલી નીવેડો આવે તે માટે જે તે વિભાગને સોંપી આપી અને લોકોના પ્રશ્નોનો નિકાલ થાય તે જરૂરી છે.