ગંજીપત્તાથી રમવા બાબતની બોલાચાલીમાં બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
જૂનાગઢના કિશોરની ઉપરકોટની પ્રવેશદ્વારની ડાબી બાજુ ઉંડી ખીણમાં અવાવરૂ જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. જે બનાવનો ભેદ ઉકેલી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ભેદ ઉકેલી નાખ્યો છે. બનાવની વિગત અનુસાર જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે રહેતા ઈકબાલભાઈ કાદરીનો પુત્ર માહિર(ઉ.વ.૧૩) લાપતા હોવા અંગે પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જેની ગતરોજ ઉપરકોટ કિલ્લાની ઘાસવાડા તરફના જંગલા-ખીણ વિસ્તારમાંથી એક હાથ કપાયેલ હાલતમાં લાશ મળી આવી હતી તથા નજીકમાં આવેલ ફોરેસ્ટ કવાર્ટર પાસેથી તેનું જયુપીટર સ્કુટર મળી આવ્યું હતું. જેથી આ બનાવમાં તેને કોઈકે ખાઈમાં ધક્કો મારી હત્યા કરાઈ હોવાની શંકાઓ વ્યકત કરાઈ હતી. આ અંગેની જાણ થતા જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, એ ડીવીઝન પીઆઈ વાઢેર, એસઓજી, એલસીબી તેમજ નેત્રંગ શાખાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબ્જાે લઈ પીએમ માટે મોકલી દીધી હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની વિવિધ ટીમો બનાવાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ જૂનાગઢના ઈ.ચા.પો.ઈ. જે.જે. પટેલ તથા એ ડીવીઝન પો.સ્ટ.ના પો.ઈ. એમ.એમ. વાઢેર તથા ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ તથા એ ડીવીઝનના પો.સ્ટે.નો સ્ટાફ તપાસમાં હતો. બનાવ સ્થળની મુલાકાત કરી ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સેલના માધ્યમની તપાસ કરતા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર(ઉ.વ.૧પ) રહે.જૂનાગઢ તાર બંગ્લા પાસે, જુના તાલુકા પોલીસ સ્ટેશન પાસે સંડોવાયેલ છે અને હાલ તે કુંભારવાડા ખાતે હોવાની બાતમી આધારે તપાસ કરતા તે મળી આવેલ તેની મૌખિક પુછપરછ કરતા મૃતક માહિર સાથે ગંજીપત્તાથી રમવામાં પૈસા બાબતે બોલાચાલી થયેલ જેથી તેણે માહિરને ધક્કો મારી ખીણમાં નીચે પછાડી દઈ માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યાનું જણાવતા આરોપી કિશોરને એ ડીવીઝન પો. સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ અંગે આરોપી કિશોર સામે ઈપીકો કલમ ૩૦ર તથા જી.પી. એકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પો.ઈ. એમ.એમ. વાઢેર ચલાવી રહ્યા છે.