ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગઈકાલે રવિવારે બપોરે એક મોટરકારના ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર એક યુવતીનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ જગદીશભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના રાજપૂત યુવાન તેમના બહેન પૂજાબેન, બનેવી મિતેશકુમાર અને તેમના પુત્ર-પુત્રી તથા તેમના ભાઈ કમલેશભાઈ જગદીશભાઈ ચૌહાણ વિગેરેને સાથે લઈ અને તેમની જી.જે. ૦૩ એમ.એચ. ૮૯૪૯ નંબરની સેલેરિયો મોટરકારમાં રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. આ પરિવારજનો રવિવારે બપોરે આશરે દોઢેક વાગ્યે ખંભાળિયાથી આશરે ૨૦ કિલોમીટર દૂર લીંબડી જતા માર્ગ ઉપર પહોંચ્યા, ત્યારે સીદસરા ગામના પાટીયા નજીક સામે આવી રહેલી એક ફોર્ચ્યુનર કારને જાેઈને કારચાલક કમલેશભાઈએ પોતાની કાર ડાબી બાજુ વાળતાં તેમણે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે તેમની સેલેરિયો કાર રોડની એક બાજુ પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં મોટરકારમાં જઈ રહેલા મૂળ નાસિકના અને હાલ રાજકોટમાં રેલ નગર ખાતે રહેતી રોશનીબેન નામદેવભાઈ ભગત નામની ૨૭ વર્ષની યુવતીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે તેણીને ઈમરજન્સી ૧૦૮ વાહન મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત્યું પામેલા જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા પૂજાબેન, તેમના પતિ મિતેશકુમાર તેમજ બે બાળકો વિગેરેને વધુ અહીંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે વિજયભાઈ ચૌહાણની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક એવા તેમના ભાઈ કમલેશભાઈ જગદીશભાઈ સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.