૭૫ ગામોના સરપંચો, તલાટીઓ અધિકારીઓએ સંવાદ કરી માર્ગદર્શન આપ્યું
ગીર સોમનાથ જીલ્લામાં “મિશન અમૃત સરોવર” અંતર્ગત જીલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચ અને પંચાયત લેવલના અધિકારીઓ સાથે અમૃત સરોવર મિશન અંગે એક સેમિનાર યોજાયો હતો. જેમાં અમૃત સરોવર મિશન અંગે ગ્રામ પંચાયતોના પદાધિકારીઓમાં જાગૃતતા લાવી સહભાગિતા વધારવા અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં તળાવોના નવીનીકરણ, નવા તળાવોના નિર્માણ સહિતનું વિગતવાર માહિતી મેળવી એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ મિશન મોડમાં કામગીરી કરી રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લો પણ અમુલ્ય યોગદાન આપી રહ્યો છે. ત્યારે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એસ.બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનારમાં ૭૫ ગામોના સરપંચો અને તલાટી મંત્રીઓ ઉપરાંત જિલ્લા કક્ષાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં પંચાયત સિંચાઈ વિભાગના ૫૦, મનરેગા યોજનાના ૨૪ અને વોટર શેડ યોજનાના ૧ આમ કુલ ૭૫ અમૃત સરોવર બનાવ્યા હોવાથી માહિતગાર કરાયા હતા. આ અવસરે ઇન્દ્રોઈ ગામના સરપંચએ જણાવ્યુ હતું કે, “અમારા ગામમાં અમૃત સરોવર રૂપે હરવા, ફરવા, બેસવા, યોગ કસરત કરવા માટેની નવી જગ્યા વિકસાવવા આગામી દિવસોમાં આયોજન કરીશું.” તેમજ ગામના આગેવાનો, નોકરિયાત યુવાનો અને ગ્રામજનોને પ્રત્સાહન આપી સુશોભનની કામગીરી માટે નાણાકીય ભંડોળની વ્યવસ્થા થકી લોકોને ગામ સાથે જાેડવાનું કાર્ય કરી રહ્યા છે. સેમિનારનું સંચાલન મનરેગા યોજનાના હરેશ પીઠિયાએ કર્યુ હતું.