ગામેગામ ઢોલ, શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું : ખેડૂતોએ સોમનાથ મહાદેવ તરફથી મળેલ આંબા ના છોડ ને સોમનાથનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કર્યું : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટનો પ્રકૃતિ રક્ષણનો મહા પ્રકલ્પ : ૧૧ લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણના મહા અભિયાન તરીકે ૧૧ લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ બીજાં તબક્કામાં પહોંચ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આજરોજ તા.૨૮ મે થી સુત્રાપાડા તાલુકાથી પ્રારંભ કરી નોંધણી કરાવેલ ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી. ખેરા, ભૂવાટીંબી, પીપળવા, ભુવાવાડા, રંગપુર, ગાંગેથા ગામોમાં ઢોલ-શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામોમાં ખેડૂતોને આપવામાં આવેલ આંબાની કલમ માત્ર વૃક્ષ નહિ પણ સોમનાથનો પ્રસાદ સમજી ખેડૂતોએ મસ્તક ઉપર ચડાવ્યા હતા. ગામેગામ સોમનાથ ટ્રસ્ટનો વૃક્ષારોપણ પ્રકલ્પ પોતાના ગામમાં આવી રહ્યો છે તેવી ખબર મળતાની સાથે લોકો એકઠા થઈને સોમનાથ ટ્રસ્ટ પરિવારનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા હતા. કન્યાઓ દ્વારા વૃક્ષારોપણ રથને કુમકુમ તિલક કરીને અક્ષત વડે વધાવવામાં આવતો, પુષ્પ વર્ષા કરવામાં આવતી હતી. ઉત્સાહમાં આવીને યુવાનો અને બાળકો ફટાકડા ફોડીને સોમનાથ ટ્રસ્ટના રથનું સ્વાગત કરતા હતા. કોઈક ગામે ઢોલ શરણાઈ તો બીજા ગામે આખા ઓરકેસ્ટ્રા સાથે સોમનાથના વૃક્ષારોપણ અભિયાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક મંદિર સંચાલન સંસ્થા સમાજ પ્રકૃતિ અને ખેડૂતોના અંગે આટલું ચિંતન કરીને તેમના ઘર સુધી મોંઘામુલી કેસર કેરીના આંબાની કલમો પ્રસાદ રૂપે આપવા આવે તેની કૃતજ્ઞતાનું દરેક ગામમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસરો વિશ્વ આખું ભોગવી રહ્યું છે. દિવસે દિવસે વૃક્ષો અને પ્રકૃતિ ની મહત્વતા નો ખ્યાલ માનવ સમાજને આવી રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં ગત વર્ષોમાં આવેલા વાવાઝોડામાં થયેલ વૃક્ષોનો નાશ જિલ્લાના પ્રકૃતિચક્ર માટે ભારે નુકશાનકારક બની શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની ૧૧ લાખની વસ્તી મુજબ જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડુતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને જાતવાન વૃક્ષો વિના મુલ્યે આપવામાં આવે, ખેડુતને તેનાથી આવક પણ થાય તેવો કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. ઉલ્લેનીય છે કે ગત વર્ષે ગીર-ગઢડા તેમજ તાલાલા તાલુકામાં ૯૫૦૦૦ થી વધુ વૃક્ષોનું વિતરણ ખેડુતોને કરવામાં આવ્યું હતું. આ ૨ તાલુકા સિવાયના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જે વૃક્ષોનું વિતરણ બાકી છે તે તમામ તાલુકામાં તા.૨૮-૫-૨૦૨૩ થી બીજા તબક્કામાં આંબાના રોપાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર જિલ્લામાં અવિરત કાર્યરત રહેશે.