ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે : ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રી
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માટે રવિ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલ તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડો અને શેરડી જેવા મુખ્ય રવિ પાકો માટે ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરી દેવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ વાવેતર કરી શકે. આ મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, પુખ્ત વિચારણાને અંતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડી રવિ પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ઉચ્ચ અધિકારીઓ તેમજ ખેડૂત આગેવાનો/પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.