Saturday, September 23

દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત દ્વારા સમર કેમ્પ યોજાયો

0

દ્વારકામાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ દ્વારા દર વર્ષે અલગ અલગ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે મે માસાંતમાં તા. ૨૨ થી ૩૦ સુધી જ્ઞાતિના પાંચથી પંદર વર્ષ સુધીના બાળકો માટે સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં જ્ઞાતિના ૮૯ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. કેમ્પમાં વેલકમ પાર્ટી, ગેમ્સ, સિંગિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ, ટ્રેડિશનલ ડ્રેસીસ સાથે રાસ ગરબા વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્કૃતિ, બ્રાહમણ સભ્યતા, સનાતન ધર્મ, ધર્મશાસ્ત્રો તેમજ દ્વારકાધીશ જગતમંદિરના રક્ષણાર્થે ગુગળી બ્રહમસમાજના યોગદાન તથા પંચવીરના ઈતિહાસ વિગેરે ધાર્મિક માહિતી ધાર્મિક સત્રમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત દેશભકિત, દેશના અમર જવાનો, સ્વાતંત્રતા સેનાની તથા રાષ્ટ્રવાદનું જ્ઞાન દેશભકિત સત્રમા આપવામાં આવી હતી. આ સમર કેમ્પ માટેની જરૂરી વ્યવસ્થા જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિના શાંતિભાઈ પુરોહિતના નેજા હેઠળ કરવામાં આવી હતી. આ સાથે જ્ઞાતિની ઉમાબેન ઠાકર, રાધિકાબેન વાયડા, માનષીબેન હેમાંગીબેન પાઢ વિગેરે બહેનોનું યોગદાન રહ્યું હતું. સમર કેમ્પના તાસ બાદ દરરોજ બાળકોને ગુગળી જ્ઞાતિ પરિવારોના સૌજન્યથી અલ્પાહાર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. કેમ્પના અંતિમ દિને એક નાના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જ્ઞાતિના વર્તમાન પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના બાળકોના સર્વાંગી વિકાસ માટે જ્ઞાતિ હંમેશા તેઓ તત્પર છે. ભવિષ્યમાં પણ આવા આયોજનો હાથ ધરી જ્ઞાતિ ઉત્કર્ષ અને વિકાસના કાર્યો અવિરત ચાલતા રહેશે. કેમ્પની પૂર્ણાહૂતિ સમયે દરેક બાળકોને પુરસ્કાર રૂપે ભેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર સમર કેમ્પમાં જ્ઞાતિ મધ્યસ્થ સભાના સદસ્ય મિથિલેશ વાયડા સહિતના કાર્યકરોનું પણ નોંધપાત્ર યોગદાન રહયુ હતું.

error: Content is protected !!