માંગરોળ ખાતે બે માછીમારો પરત ઘરે આવી પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

0

દરીયામાં માછીમારી કરવા ગયા બાદ પાક. કોસ્ટગાર્ડ દ્વારા બંદિવાન બનાવાયેલા અને ત્યાંની જેલમાં બંધ માંગરોળના બે માછીમારો આજે માદરે વતન પરત આવતા બંદર ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ, નગારા સાથે હારતોરા કરી તેઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અઢી, ત્રણ વર્ષ ઉંચક જીવે પસાર કર્યા બાદ વ્હાલસોયા ઘરે આવતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારજનો આંસુઓ રોકી શક્યા ન હતા. તો મિત્રોની ખુશીનો પણ કોઈ પાર ન હતો. શનિવારે પંજાબ બોર્ડર ઉપર પહોંચ્યા બાદ વડોદરા થઈ આજે બસ મારફતે બંને માછીમારો અહીં આવી પહોંચ્યા હતા. માંગરોળની “ભોલા” ફિશિંગબોટમાં માછીમારી કરવા ગયેલા અનિકેત પરસોતમભાઈ થાપણીયા(ઉ.વ.૨૩) સહિત છ ખલાસીઓને ગત તા.૧૬-૧૨-૨૦૨૦ના રોજ પાક. કોસ્ટગાર્ડે દરીયામાં બોટ સાથે જહાજ અથડાવી તમામને બંદિવાન બનાવ્યા હતા. ત્યારબાદ તેઓને કરાંચીની જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભારત સરકારના પ્રયત્નોથી અઢી વર્ષ બાદ તેઓનો છુટકારો થયો હતો. પરિવારમાં નાની બહેન, માતા-પિતા, નાના-નાની સાથે રહેતા અનિકેતે જણાવ્યું હતું કે ત્યાં જેલમાં દિવસની પાંચ રોટલી આપવામાં આવતી અને લંગરમાં ભોજન બનાવવા જઈએ તો ૧૫ દિવસના ૩૦૦, ૪૦૦ રૂા. મળતા. આ તકે પાક. જેલમાં બંધ અન્ય માછીમારોની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમારી પહેલાના ૨૦૨૦માં ત્યાંની જેલમાં ૮૧ માછીમારો બંધ છે જે પૈકી ૨૦ થી ૨૫ માછીમારો બિમાર છે. હું અમારી જેમ આ તમામના પરિવારોમાં ખુશી જાેવા ઈચ્છું છું.” તેમ જણાવી તેઓની મુકિત માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અનેક પ્રયાસો અને લાંબા સમય બાદ જુવાનજાેધ પુત્ર ઘરે પરત આવતા અનિકેતના માતા વનિતાબેન ભાવુક બન્યા હતા અને હવે પુત્રને ફરી દરીયો ખેડવા નહીં જવા દેવાનું જણાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અન્ય એક કિસ્સામાં પોરબંદરની “સ્વાતિ સાગર” બોટમાં માછીમારી કરતા પાંચ ખલાસીઓને પાક. કોસ્ટગાર્ડ ગત તા.૧૫-૩-૨૦૨૧માં ઉઠાવી ગઈ હતી. જેમાં માંગરોળના દામાભાઈ ગોવિંદભાઈ મચ્છનો છુટકારો થતાં તેઓ આજે અહીં આવી પહોંચતા આંખોમાં હર્ષના આસું સાથે બહેને ઓવારણા લીધા હતાં. દામાભાઈના એક ભાઈનું અગાઉ દરીયામાં આકસ્મિક મોત થયું હતું. પરિવારમાં બીજું કોઈ કમાવાવાળું નથી તેઓએ જણાવ્યું હતું કે દરીયો જ ખેડવો છે. એ જ અમારી રોજી છે.

error: Content is protected !!