સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે પરિવહન ક્ષેત્રે વધતા ઈંધણના ભાવને લઈ વિશ્વ સ્વચ્છ ઈંધણ પરિવહન તરફ વળી રહ્યું છે. ભારત સરકારના પરિવહન મંત્રાલય દ્વારા લેવાયેલા ક્રાંતિકારી પગલાંથી સડકમાર્ગથી સાર્વજનિક પરિવહન અને મુસાફરીની પરંપરાગત રીતોમાં ધરખમ પરિવર્તન આવ્યા છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે, ૨૦૩૦ સુધીમાં સમગ્ર દેશનું પરિવહન સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક સંચાલિત કરવું. સરકાર સ્વચ્છ ઊર્જા આધારિત વાહનોની ખરીદી ઉપર ભાર મૂકી રહી છે ત્યારે “ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ ઈન ઈન્ડિયા”(હ્લછસ્ઈ) યોજના મુખ્યત્વે જાહેર પરિવહન માટે ઈલેક્ટ્રિક ગાડીઓ બનાવનાર અને તેને ખરીદનારાને પ્રોત્સાહન આપે છે. આ યોજના અંતર્ગત ઇ.વી. વાહનોની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે, ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા પણ ઇ.વી. વાહનોની ખરીદી બાદ વધારાની સહાય ચૂકવવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહનોનાં અનેક ફાયદા છે, તેની જાળવણીમાં ખૂબ ઓછો ખર્ચ આવે છે. દેશમાં સતત વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે ઈલેક્ટ્રિક વાહનો ડીઝલ-પેટ્રોલ સંચાલિત વાહનોની સરખામણીમાં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ છોડે છે. જે પર્યાવરણને અનુકૂળ બનાવે છે, જેના પરિણામે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં પણ ઈલેક્ટ્રિક વાહનો પરત્વે લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરતાં વાહનવ્યવહાર અધિકારીશ્રી કેતનસિંહ ખપેડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય “ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી- ૨૦૨૧” લાગુ કરાતા લોકોમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી બાબતે જાગૃતિ આવી છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ધરખમ વધારો થયો છે. અત્યાર સુધીમાં ૮૨૮૬ જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૨૧માં ટુ વ્હીલર ૩૭૯, ઈ રિક્ષા વિથ કાર્ટ ૭૭, બસ ૨૨, મોટર કાર ૪૮, થ્રી વ્હીલર ગુડ્સ ૨૫, થ્રી વ્હીલર પેસેન્જર ૦૨, ફોર્ક લિફ્ટ ૦૧ સહિત કુલ ૪૯૭ વાહનનું રજીસ્ટ્રેશન થયું છે. વર્ષ ૨૦૨૨માં ટુ વ્હીલર ૩૭૮૯, ઈ રિક્ષા વિથ કાર્ટ ૦૭, બસ ૨૮, મોટર કાર ૧૫૦, થ્રી વ્હીલર ગુડ્સ ૧૦૮, થ્રી વ્હીલર પેસેન્જર ૦૬ સહિત કુલ ૪૦૯૮ વાહનનું રજીસ્ટ્રેશન થયું છે. વર્ષ ૨૦૨૩માં તા.૦૪.૦૬.૨૦૨૩ની સ્થિતિએ અત્યાર સુધીમાં ટુ વ્હીલર ૨૯૧૨, ઈ રિક્ષા વિથ કાર્ટ ૦૩, અપંગ વ્યક્તિ માટે ૦૧, મોટર કાર ૧૨૫, થ્રી વ્હીલર ગુડ્સ ૫૯, થ્રી વ્હીલર પેસેન્જર ૦૩ સહિત કુલ ૩૧૦૩ વાહનનું રજીસ્ટ્રેશન થયું છે, તેમજ ૪૨૫૩ જેટલા ઇલેક્ટ્રોનિક વાહનોને રૂ.૯,૯૪,૪૯,૪૦૦ની સબસિડી ચૂકવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની આવી ઉદાર નીતિના પરિણામે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે.