મહેસાણાથી મોઢેરાને જાેડતા ચાર માર્ગીય સ્ટેટ હાઇવે અને જાેટાણામાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ
મહેસાણા જિલ્લાને રૂપિયા ૯૧ કરોડનાં વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિનાં ફળ આજે લોકો સુધી પહોંચી રહ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ હંમેશાં નાનામાં-નાના અને છેવાડાના માણસને ધ્યાનમાં રાખી જનહિત ભાવથી જ વિકાસકામો – યોજનાઓ અને જન કલ્યાણના કામોને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ મહેસાણા જિલ્લામાં પ્રજાજનો-નાગરિકોની સુવિધા માટેના રૂપિયા ૯૧ કરોડનાં બે વિકાસકામોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ સ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની પરિપાટીને કારણે આજે આપણું રાજ્ય સુશાસન બાબતે દેશમાં અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે. ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્યના નાગરિકો માટે સારામાં સારૂ કામ થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે ઊભી કરી છે, એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે ભૂપેન્દ્ર પટેલે રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામમાં બનેલી મલ્ટી લેવલ હોસ્પિટલની વાત કરતા કહ્યું કે, ગામ પંચાયત લેવલે આ પ્રકારની હોસ્પિટલ બનાવવાનો વિચાર આવવો એક ગૌરવની વાત છે, આમ વિકાસની રાજનીતિ આજે નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. રાજ્ય સરકારે સમયને અનુરૂપ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ-રસ્તા નેટવર્ક, ૨૪ કલાક વીજળી, નલ સે જળ જેવી પાયાની સુવિધાઓ તાલુકા લેવલ અને ગામડાંઓ સુધી પહોંચાડી છે. શિક્ષણ-આરોગ્ય જેવા દરેક ક્ષેત્રે ઉત્તમ કામગીરીને લીધે ગુજરાત આજે દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. સરકારી અને ખાનગી ઓફિસ વચ્ચે ભૂંસાઈ રહેલા ભેદની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરકારી અને ખાનગી ઓફિસો વચ્ચેનો ભેદ દૂર થઈ રહ્યો છે. જિલ્લા અને તાલુકા લેવલે અત્યાધુનિક સરકારી ઓફિસો તૈયાર થઈ રહી છે. લોકોની સુખાકારી માટે તમામ પ્રકારની પાયાની સુવિધાઓ સરકારી ઓફિસોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં નાગરિકોની સુખાકારી માટે દર અઠવાડિયે કરોડોનાં વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થઈ રહ્યું છે. આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઊજવી અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે વિકસિત ભારતને મજબૂત બનાવવા આર્ત્મનિભર ગુજરાત બને તે દિશામાં સૌ સાથે મળી પ્રયાસ કરીએ, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં મહેસાણાને રૂા.૯૧ કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપવા બદલ જિલ્લાના નાગરિકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આભારી છે, તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લો ઔદ્યોગિક રીતે વધુમાં વધુ આગળ વધે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોઢેરાને દેશનું સૌ પ્રથમ સોલાર વિલેજ બનાવીને મહેસાણા જિલ્લાને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. મહેસાણા મોઢેરાને જાેડતો રસ્તો ચારમાર્ગીય થયો અને જાેટાણામાં આધુનિક સુવિધાયુક્ત તાલુકા સેવા સદનનું લોકાર્પણ થયું, તે આનંદની વાત છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાલા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. મહેસાણાના જિલ્લા કલેકટર એમ. નાગરાજને સ્વાગત પ્રવચન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ટાઉન હોલ ખાતે મહેસાણાથી મોઢેરાને જાેડતા ચાર માર્ગીય રસ્તા અને જાેટાણામાં નવનિર્મિત તાલુકા સેવા સદન મુખ્યમંત્રી ઈ-લોકાર્પણ કર્યું હતું. મહેસાણાથી મોઢેરાને જાેડતા ૨૦ કિલોમીટર જેટલા લાંબા ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ રૂા.૭૭ કરોડના ખર્ચે થયેલું છે, જ્યારે જાેટાણાનું તાલુકા સેવા સદન રૂા.૧૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.