શહેરના માર્ગો ઉપર ઠેર-ઠેર રથયાત્રાના સ્વાગત બાદ નિજ મંદિરે મહા આરતી બાદ રથયાત્રા સંપન્ન
જૂનાગઢમાં ગઈકાલે ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજી ભગવાનના મંદિરે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ૧૯મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના માર્ગો ઉપર પ્રસ્થાન અને ઠેર-ઠેર સ્વાગત બાદ રથયાત્રા નિજ મંદિરે પ્રયાણ થઈ ધર્મસભર વાતાવરણમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. ગઈકાલે બપોરે જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ મોટા પીર બાવા તનસુખગીરીબાપુ નાદુરસ્ત તબિયતને પગલે ઉપસ્થિત રહી શક્યા નહોતા પરંતુ તેના શુભ સંદેશા આપ્યા બાદ પ્રારંભે જગન્નાથજી ભગવાનના મંદિરે આઈ જી મયંકસિંહ ચાવડા, ડે મૈયર ગીરીશભાઈ કોટેચા, કોર્પોરેટર આરતીબેન જાેશી, બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ઝિંઝુવાડીયા, ઉપપ્રમુખ જયદેવભાઈ જાેશી, સેક્રેટરી મનોજભાઈ દવે તથા સામાજિક આગેવાનો અને જગન્નાથજી રથયાત્રા સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય બાદ રથયાત્રાની મુખ્ય ચાંદીનાથી સાવરણાથી પહીંદ વિધિમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, આઈજી, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર આરતીબેન જાેશી તેમજ રથયાત્રા સમિતિના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં આઈજી અને એસપી ની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજીના રથને દોરડાથી પ્રયાણ કરાવી આગળ ધપાવવામાં આવી હતી. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે બેન્ડબાજા અને રાસ મંડળીના સથવારે રથયાત્રામાં બહેન સુભદ્રાજીના રથને મહિલાઓ દ્વારા જ આખા રૂટમાં પ્રયાણ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત અને રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ સાથે રથયાત્રા માર્ગ ઉપર આગળ ધપી હતી જ્યાં દિવાન ચોક, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી.રોડ, રાણાવાવ ચોક, કાળવા ચોક અને જવાહર રોડ ઉપર ઠેર-ઠેર ભાવિકોએ ભગવાનના સન્મુખ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વિવિધ સ્થળોએ સંસ્થાઓ અને વ્યાપારીઓ દ્વારા રથયાત્રાનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા સાંજે ૭ કલાકે જગન્નાથજી મંદિરે પરત ફરી હતી. જ્યાં ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાનના નિજ મંદિરમાં પ્રયાણ અને મહા આરતી બાદ રથયાત્રા ધર્મસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી. રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે આ વર્ષે શહેરના માર્ગો ઉપર ભગવાનના સન્મુખ દર્શન કરવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાયો હતો.
રથયાત્રામાં આ વખતે વધુ ફલોટનો સમાવેશ
જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં ગઈકાલે ભગવાન શ્રીનાથજી, હનુમાનજી, શિવજીની વિશાળ પ્રતિમા સહિતના ફલોટ રાખવામાં આવ્યા હતા. જેના પણ ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.