જૂનાગઢ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

0

કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતનાએ યોગ અભ્યાસ કર્યો

જૂનાગઢ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વસુધૈવ કુટુંબકમ માટે યોગ, હર ઘરના આંગણે યોગની થીમ સાથે ઉત્સાહભેર યોજાઇ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં સવારના આહલાદક વાતાવરણમાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલ રાણાવસિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય પરંપરા અને ઋષિમુનિઓ દ્વારા માનવ જાતને અપાયેલી અમૂલ્ય ભેટ એટલે યોગ.યોગ વિદ્યા ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા લોકોને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઘર ઘર સુધી યોગ્ય પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એ અભિનંદન ને પાત્ર છે. યોગ તન અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે યોગ્ય માત્ર દેખાવ નથી. યોગ એ નિરોગી અને લાંબુ જીવન જીવવા માટેનું માધ્યમ છે. યોગ કરવાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે જ માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. યોગ બોર્ડના માધ્યમથી આજે જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને લોકો યોગ તરફ વળી રહ્યા છે. આ પ્રસંગેકૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટીયાએ જણાવ્યું હતું કે, યોગના છ ધ્યેય છે. વિકાસ, શિક્ષણ, રક્ષણ, ચિકિત્સા, આધ્યાત્મિક અને શક્તિ છે. આજે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકોને યોગ કરી અને સ્વસ્થ રહેવા અનુરોધ કર્યો હતો. જૂનાગઢ વહિવટી તંત્ર અને કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જૂનાગઢ રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલ, પુરવઠા અધિકારી રીના ચૌધરી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા યોગ કોર્ડીનેટર ચેતનાબેન ગજેરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ યોગ શિક્ષકો, ટ્રેનરો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.

error: Content is protected !!