દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે તેમજ આજે સવારે મેઘરાજાએ જાણે પોરો ખાધો હોય તેમ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે મહદ અંશે વરસાદ વરસ્યો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગઈકાલે ગુરૂવારે બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન ૯ મીલીમીટર વરસાદ વરસી ચુક્યો છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મેઘ વિરામ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા અવીરત વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી. જાેકે આજે સવારથી હળવા છાંટાનો દૌર અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ ૫૪૦ મી.મી., દ્વારકા તાલુકામાં ૩૧૮ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૨૫૯ મી.મી. અને ભાણવડ તાલુકામાં ૨૩૧ મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માફકસર વરસાદથી હાલ ખેડૂતો ખુશ છે.