રૂા.૩૫.૧૦ કરોડના ખર્ચે વિછીયામાં આંતરિક પાણી પુરવઠા યોજના અંતર્ગત ગૌમા ડેમ આધારિત યોજના પુનઃ કાયાર્ન્વિત : ૩.૦ એમ.એલ.ડી.ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ભુગર્ભ ગટર યોજના સહિતના કામોનું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

0

રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કામ તથા ભુગર્ભ ગટર યોજનાના કામોનું કુલ ૩૫.૧૦ કરોડના ખર્ચે યોજનાકિય કામોનું લોકાર્પણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શહેરના ગંદા પાણીના નિકાલની યોજના અમલમાં આવતા શહેર સ્વચ્છતા બનશે. સૌથી મોટી રકમના કામની મંજૂરી મેળવનાર વિંછીયા ગ્રામ પંચાયતમાં પાણી પુરવઠા બોર્ડની આંતરિક પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પૂરૂ પાડવામાં આવે છે. જયારે ગામના દરેક ઘરમાં પાણી વિતરણની વ્યવસ્થા વાસ્મો દ્વારા કરવામાં આવે છે. આગામી તા. ૧૫ જુલાઈ સુધીમાં પંચાયત, ભૂગર્ભ અને વાસ્મો કચેરીમાં એક કર્મચારી બેસશે જે લોકોની ફરિયાદો એકઠી કરશે, ત્યારબાદ તુરંત જ તેમના ઉપર જરૂરી પગલાઓ લઈને પાણી અને ગટરની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રોડ રસ્તાને લગતા કામો શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે તેમજ આર.સી.સી. રોડ મંજૂર કરવામાં આવ્યા છે. લોકાર્પિત ૩ એમ.એલ.ડી. સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાશે. જેથી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે. આ વિસ્તારમાં પાણીનું વિતરણ છેક નાવડાથી લઈને વીંછીયા સુધી પહોંચાડવામાં આવે છે. ગૌમા ડેમ આધારિત યોજના ફરીથી કાયાર્ન્વિત કરવામાં આવશે. અંદાજિત ૫૫ કરોડના ખર્ચે વીંછીયા થી છાસીયા સુધી પાણી પહોંચાડવાની યોજનાનું કામ ચાલી રહ્યુ છે. મોઢુકાથી હિંગોળગઢ સુધી ૨૫ કરોડના ખર્ચે પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ મંત્રી બાવળીયાએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, લોકોને નલથી જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળની ચકલીમાંથી પાણી મળતું થાય. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગવી ઢબે કાર્ય કરવામાં આવી રહ્યું છે. “સૌની” યોજના અંતર્ગત ૧૭૧ કરોડના ખર્ચે હાલમાં ૨૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આસલપુર, પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, જનડા, પાનેલી, ભાડેર, રેવાણીયા, ઓરી, કમળાપુર સહિત પુરણીયા વગેરે ગામોમાં “સૌની” યોજનાનું પાણી આવશે. જસદણના પાદરથી વિંછીયા સુધીના ૬૦ તળાવમાં “સૌની” યોજનાનું પાણી ભરવામાં આવશે. આ માટે અમૃત સરોવરો ઊંડા કરાયા છે. ટૂંક સમયમાં જ આઈ.ટી.આઈ-વિંછીયાના નવા મકાનનું લોકાર્પણ કરાશે. વિછીયામાં ઓરી-ખારચિયા રોડ ઉપર વિછીયા જી.આઇ.ડી.સી.ની મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ થતા રોજગારી મળવાનું પણ શરૂ થઈ જશે. દર્દીઓના ડાયાલિસિસ માટે અમરાપુર પી.એચ.સી.માં જ આરોગ્યની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રી બાવળીયાએ આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા ભુગર્ભ ગટર યોજનાના કાર્યસ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.

error: Content is protected !!