માંગરોળમાં કામનાથ મહાદેવ મંદીર પાસે બે દિવસ પહેલા મરેલા મરઘાંના અવશેષો ભરેલા કોથળા ફેંકી દઈ ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિ.હિ.પ., બજરંગ દળ, જીવસેવા ચેરી. ટ્રસ્ટ, સંજીવની નેચર ફાઉન્ડેશન, વેપારી મહાજન મંડળ સહિતના સંગઠનોએ મામલતદાર અને પોલીસને આવેદન પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. શહેરથી ૭ કિ.મિ. દુર પૌરાણિક કામનાથ મહાદેવનું મંદીર આવેલુ છે. પદ્મપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આજુબાજુ ભગવાન ગણેશ અને હનુમાનજીના પણ મંદીરો છે. ત્યારે શનિવારે નોળી નદી ઉપર આવેલા દાનાતળ કોઝવે પાસે અને પાણીમાં કોઈ અજાણ્યા ઈસમો મૃત મરઘાંના અવશેષો ભરેલા કોથળા ફેંકી ગયા હતા. આ નોળી નદીના પાણીથી મંદીરના શિવલિંગનો અભિષેક થતો હોય, ત્યારે દુષિત થયેલું પાણી ઉપયોગમાં કેમ લઈ શકાય ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે. આ ઉપરાંત નદીના પટમાં શહેરને પાણી પુરૂ પાડતા ન.પા.ના કુવાઓ આવેલા હોય, મૃત પશુઓના માંસ, હાડકાથી પ્રદુષિત થયેલું પાણી કુવાના પાણી સાથે ભળશે. જે શહેરીજનોને વિતરણ થશે. વધુમાં જણાવાયું છે કે નીમ કરાયેલી જગ્યાને બદલે આજુબાજુના વિસ્તારોમાંથી મૃત પશુઓનો નદીના પટમાં નિકાલ થઈ રહ્યો છે. તે પ્રવૃત્તિ બંધ કરાવવા પણ માંગ કરી છે. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન લોકો પગપાળા ચાલીને કામનાથ મંદીરે દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે શ્રધ્ધાળુઓને આ રસ્તા પર આવેલા મરઘાં ઉછેર કેન્દ્રમાંથી આવતી અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. તો સરકારના ધારાધોરણ વિરુદ્ધ અને ગે.કા. ચાલતા મરઘાં કેન્દ્રો સામે કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી, પગલાં લેવામાં નહીં આવે તો વિ.હિ.પ., બજરંગ દળે હિન્દુ સમાજને સાથે રાખી આંદોલનની પણ ચિમકી આપી છે.