બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ
બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ અને શિયાળનો શિકાર કરવા માટે ફાસલા મુકનાર સુરેન્દ્રનગર જિલ્લાની શિકારી ગેંગના સાત સભ્યોને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારેલ છે. જયારે ત્રણ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવાનો સુત્રાપાડા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ફેબ્રુઆરી ૨૦૨૧માં જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ રેવન્યુ વિસ્તારની જમીનમાં શિયાળ અને સિંહનો શિકાર કરવા અર્થે શિકારી ટોળકીએ ફાસલા ગોઠવ્યા હતા. જેમાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયા હતા. જાે કે, તે સમયે જાણ થઈ જતા બંન્નેને બચાવી લઈ વનવિભાગના સ્ટાફએ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાની શિકારી ટોળકીના દસ સભ્યોને ઝડપી પાડેલ હતા. આ તમામ વિરૂધ્ધ આરએફઓ ગળચરએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો સુત્રાપાડા પોલીસમાં નોંધાવેલ હતો. ત્યારબાદ આ કેસમાં વનવિભાગે તા.૧-૪-૨૧ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતંુ. બાદમાં કેસ ચાલી જતા ફરીયાદી પક્ષે ૧૮ મૌખિક પુરાવાઓ અને ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. બંન્ને પક્ષોની દલીલોના અંતે સુત્રાપાડા કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. જેમાં આરોપીઓ (૧) હબીબ સમશેરભાઈ પરમાર(ઉ.વ.૪૮), (૨) અસ્માલ સમશેરભાઈ પરમાર(ઉ.વ.૪૩), (૩) રાજેશ મનસુખભાઈ પરમાર(ઉ.વ.રર), (૪) મનસુખ ગુલાબભાઈ પરમાર(ઉ.વ.૭૩), (૫) માનસીંગ ગની પરમાર(ઉ.વ.૨૮), (૬) અરવિંદ ગની પરમાર(ઉ.વ.ર૧), (૭) ભીખા સમશેર પરમાર(ઉ.વ.૫૫) તમામ રહે.થાનગઢ રૂપાવટી રોડ, તા.થાનગઢ-સુરેન્દ્રનગર વાળાઓને ઉપર મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી ૩ (ત્રણ) વર્ષની સાદી કેદની સજા અને દંડ પેટે તમામ આરોપી દીઠ રૂા.૧૦-૧૦ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે અને જાે દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે. જયારે આ ગુનામાં પકડાયેલા મણીબેન હબીબ પરમાર, સમશેર ગુલાબ પરમાર અને નુરજાહ મનસુખ પરમારને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાનો કોર્ટે હુકમ કરેલ છે.
સુત્રાપાડાના ખાંભાના રેવન્યુ વિસ્તારમાં ફાસલામાં ફસાયેલ સિંહ બાળને બચાવવા અર્થે તેની માતા સિંહણએ હુમલો કરેલ જેમાં શિકારી ગેંગના એક સભ્યને પેટના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત શિકારી ૧૦૮ મારફત તાલાલાની ખાનગી હોસ્પીટલે પહોંચી પ્રાથમીક સારવાર લીધેલ તે સમયે તબીબે સિંહથી ઇજા થઇ હોવાથી તેને સરકારી હોસ્પીટલે રીફર કરેલ હતો. તેમ છતાં ઇજાગ્રસ્ત શિકારી ગેંગના સભ્યો સાથે સરકારીમાં જવાના બદલે નાસી ગયેલ હતા. જેઓને વન વિભાગના સ્ટાફએ જૂનાગઢ નજીક વડાલ ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.