માંગરોળના બંદરઝાંપા વિસ્તારમાં રહેણાંક મકાનનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તથા એક લાખની રોકડ સહિત ૧.૪૩ લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. શહેરના બંદરઝાંપામાં ઈબ્રાહીમ મસ્જીદની બાજુમાં રહેતા હુસેનભાઇ અબુબકરભાઈ પઠાણના ગર્ભવતી પત્નીને ગત તા.૨ના રોજ મોડીરાત્રે દુખાવો ઉપડ્યો હતો. જેથી હુશેનભાઈ પોતાની પાંચ વર્ષની પુત્રી મેવિશને સાથે લઈ પત્નીને સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં સારવાર લીધા બાદ ડોક્ટરે આગળ જવાનું કહેતા જૂનાગઢ ખાતે પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડિલિવરી બાદ પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ તા.૪ના રાત્રે તેઓ ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવેલું તાળું નજરે પડ્યું ન હતું અને દરવાજાે બંધ હતો. જેથી ઘરમાં ચોરી થયાની શંકા ગઈ હતી. દરવાજાે ખોલી અંદર પ્રવેશ કરતા રૂમમાં રાખેલ લાકડાના કબાટનું તાળું તુટેલું હતું. જેના નાના ખાના પણ ખુલેલા હતા. જેમાં બચત કરીને રાખેલા એકાદ લાખ રૂપિયા, સોનાનો ચેઈન, બુટી, પગમાં પહેરવાના ચાંદીના સાંકડા પટ્ટી ગાયબ હતા અને ઘરનો અન્ય સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.