લેમન ટ્રી હોટલના નામથી ખોટી સાઈટ બનાવીને બાર રૂમનું એડવાન્સ ભાડું મેળવી લીધું
દ્વારકામાં આવેલી જાણીતી લેમન ટ્રી હોટલના નામથી કોઈ ગઠિયાએ ખોટી વેબસાઈટ બનાવી અને તેમાં એક મહિલા આસામી દ્વારા બાર રૂમના એડવાન્સ બુકિંગની રકમ ઓનલાઈન મેળવીને છેતરપિંડી કરવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે હોટલના મેનેજર દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં આવેલી સ્ટાર કેટેગરીની લેમન ટ્રી પ્રીમિયર હોટલ દ્વારા યાત્રાળુઓ મુસાફરો માટે તેમની પોતાની ચોક્કસ વેબસાઈટ કાર્યરત છે. જેના મારફતે તેઓ દર્શનાર્થીઓનું વેબસાઈટ કે ફોન કોલથી બુકિંગ કરવામાં આવે છે. આ હોટલમાં રહેવા માટે ગત તારીખ ૪ જુલાઈના રોજ સુધાબેન નામના એક મહિલાએ ઉપરોક્ત હોટલના ભાળતા નામ જેવી જ સાઈટ પરથી એક દિવસમાં માટે બાર રૂમનું બુકિંગ કરાવી અને તેના ચાર્જના રૂપિયા ૪૫,૬૦૦ ગૂગલ પે મારફતે ચૂકવ્યા હતા. આ પછી સુધાબેન દ્વારા આ હોટલમાં તપાસ કરતા અહીં કોઈ પ્રકારનું તેમનું બુકિંગ ન હોવાથી આ બાબત અંગે હોટેલના સંચાલક વિગેરેને જાણ કરી, તેમના દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન ટ્રાન્જેક્શન તેમજ બેંક ડીટેઈલ આ હોટલના મેનેજર વિજયભાઈ લીલારામભાઈ યાદવને આપવામાં આવી હતી. જેની તપાસ કરતાં કોઈ ફ્રોડ વ્યક્તિએ પોતાના ૬૦૦૨૮ ૮૨૫૪૪ મોબાઈલ નંબર તેમજ એક્સિસ બેન્કમાં પોતાના એકાઉન્ટમાં સુધાબેન દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા રૂપિયા ૪૫,૬૦૦નું પેમેન્ટ મેળવી લીધું હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કોઈ અજાણી વ્યક્તિએ લેમન ટ્રી પ્રીમિયર હોટલ દ્વારકાના નામે પોતાના ફોન નંબર લખી અને અલગ પેજ અથવા એડવર્ટાઇઝમેન્ટ બનાવી અને ગ્રાહકોને પોતાના બેંક એકાઉન્ટ આપી, ઉપરોક્ત છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ હોટલના જનરલ મેનેજર વિજયભાઈ લીલારામભાઈ યાદવ (ઉ.વ. ૩૨, રહે. મુળ અલવર- રાજસ્થાન) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.આઈ. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે.