પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં ૬૯૦૦થી વધુ સુક્ષ્મ એકમોને અપાઈ રૂા.૧૬૫ કરોડની ‘મુદ્રા લોન’ અનેક ઉદ્યમીઓ-ધંધાર્થીઓ માટે વ્યવસાયના વ્યાપ-એન્જિન સમાન બની છે

0

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ થકી ઉદ્યમીઓને પ્રોત્સાહન અપાય છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન-૨૦૨૩ સુધીમાં ૬૯૦૦થી વધુ સુક્ષ્મ એકમોને રૂપિયા ૧૬૫ કરોડથી વધુની મુદ્રા લોન આપવામાં આવી છે. દેશમાં નાના ધંધાર્થીઓ-ઉદ્યોગકારો-ઉદ્યમીઓ (સુક્ષ્મ એકમો-માઇક્રો યુનિટ્‌સ)ને વ્યવસાય-ધંધો કરવા માટે નાણાકીય સહયોગ મળે અને તેઓ સામાન્ય વ્યાજદરે બેંક ઋણ મેળવીને પોતાનો વ્યવસાય વિકસાવી-વિસ્તારી શકે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ “પ્રધાનમંત્રી મુદ્રા (માઈક્રો-યુનિટ્‌સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી) યોજના” લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ઉદ્યમીઓને રૂા.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના અનેક ઉદ્યમીઓ માટે આધાર સમાન બની છે. રાજકોટ જિલ્લા ભારતીય સ્ટેટ બેન્કના લીડ બેંક વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત, રાજકોટ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી લઈને ૩૦ જૂન સુધીમાં ૨૫૩૫ ‘શિશુ એકમો’ માટે રૂા.૯.૦૧ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી રૂા.૮.૨૭ કરોડની લોન તો ચૂકવી પણ આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં ૩૧૧૨ ‘કિશોર એકમો’ માટે રૂા.૬૮.૩૧ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી રૂા.૬૩.૧૩ કરોડની લોન ચૂકવી દેવામાં આવી છે. જિલ્લામાં ૧૨૮૯ ‘તરૂણ એકમો’ માટે રૂા.૧૦૦.૮૬ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી રૂા.૯૪.૪૪ કરોડની લોન ચૂકવી દેવામાં આવી છે. આમ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમયગાળામાં ૬૯૩૬ એકમો માટે રૂા.૧૭૮.૧૭ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂા.૧૬૫.૮૫ કરોડની લોન મંજૂર પણ કરી દેવામાં આવી છે. આમ મુદ્રા યોજના અંતર્ગત લોન મેળવીને આ ઉદ્યમીઓ પોતાના ઉદ્યમ-વ્યવસાયને વેગ આપી રહ્યા છે. અનેક ઉદ્યમીઓ-ધંધાર્થીઓના વ્યવસાયના વિકાસના એન્જિન સમી આ મુદ્રા યોજના શું છે તેની વિગતો જાેઈએ.
શું છે મુદ્રા યોજના ?
માઇક્રો-યુનિટ્‌સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી(મુદ્રા) એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) હેઠળ ઓફર કરવામાં આવતી યોજના છે. આ યોજનામાં વ્યવસાય-ધંધાના વિવિધ શ્રેણીઓના આધારે રૂા.૧૦ લાખ સુધીની વ્યવસાય લોન મળી શકે છે. તમામ જાહેર ક્ષેત્રની બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, પ્રાદેશિક બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ(NBFC) અને વિદેશી બેંકો પાસેથી લોન મેળવી શકાય છે.
મુદ્રા યોજનામાં સુક્ષ્મ એકમોનું ત્રણ શ્રેણીમાં વર્ગીકરણ
પીએમ મુદ્રા લોન યોજના ત્રણ પ્રકાર વર્ગીકૃત કરવામાં આવી છે : (૧) શિશુ લોન, (૨) કિશોર લોન તથા (૩) તરૂણ લોન.
(૧) શિશુ લોન : શિશુ લોન હેઠળ બિનખેતી સાહસો માટે લોન આપવામાં આવે છે. જેમાં રૂા.૫૦ હજાર સુધીનું ધિરાણ મળી શકે છે. શિશુ લોન નાના પાયે મશીનરી ખરીદવા અથવા અન્ય ઓપરેશનલ ખર્ચ માટે નાણાં પૂરા પાડવા માટે, નવા સાહસો માટે ખૂબ ઉપયોગી છે. સૂક્ષ્મ ઉદ્યોગો, સ્વ-માલિકો, વ્યાપારી વાહનોના માલિકો, ફળ અને શાકભાજીના વિક્રેતાઓ વગેરે મુદ્રા શિશુ લોન માટે પાત્ર અરજદારો છે.
(૨) કિશોર લોન : કિશોર લોન હેઠળ કુલ રૂા.૫૦ હજારથી લઈને રૂા. પાંચ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. ધંધાર્થીઓ-વ્યાવસાયિકો તેમના રોજિંદા કામકાજ માટે ધિરાણ મેળવવા, ભારે મશીનરી અને વાણિજ્યિક પરિવહનના વાહનો વગેરે ખરીદવા માટે વધુ લોનની રકમનો લાભ લઈ શકે છે. સ્થાનિક કરિયાણા, સલૂન્સ, કુરિયર એજન્ટ્‌સ, ફાર્માસિસ્ટ અને ટેલરિંગ શોપ્સ જેવા વ્યક્તિગત સેવા પ્રદાતાઓ પણ અરજી કરવા માટે પાત્ર છે.
(૩) તરૂણ લોન : તરૂણ લોન યોજના હેઠળ રૂપિયા પાંચ લાખથી લઈને રૂા.૧૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. મહત્ત્વાકાંક્ષી તેમજ સ્થાપિત વ્યવસાયો આ લોનનો લાભ લઈ શકે છે. જૂની કંપનીઓ લોનનો ઉપયોગ ઓફિસના વિસ્તરણને સુધારવા અથવા ભંડોળ માટે, જરૂરી ઓપરેશનલ ખરીદીઓ વગેરે કરવા માટે કરી શકે છે.
ક્યા-ક્યા વ્યવસાય માટે મળી શકે છે મુદ્રા લોન ?
• ટ્રાન્સપોર્ટ વાહનો : માલસામાન અને મુસાફરોના પરિવહન માટે વાહનો ખરીદી શકાય છે. વ્યાપારી ઉપયોગ માટે ટ્રેક્ટર, ટુ-વ્હીલર, ટ્રોલી અને ટીલર્સ ખરીદી શકાય છે.
• કોમ્યુનિટી, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ : સામુદાયિક વ્યવસાયો માટે લોન મેળવી શકાય છે. જેમ કે દરજીની દુકાનો, ડ્રાય ક્લિનિંગ, સાયકલ અને મોટરસાઇકલ રિપેરિંગની દુકાનો, ફાર્મસીઓ, ફોટોકોપી કરવાની સુવિધા, વ્યાયામશાળાઓ, સલૂન, કુરિયર સેવાઓ વગેરે.
• ખોરાક ઉત્પાદક ક્ષેત્રો : નાના પાયે ખાદ્ય ઉત્પાદન જેમ કે અથાણું અથવા પાપડ બનાવવું, કેન્ટીન સેવાઓ, કોલ્ડ સ્ટોરેજ, બરફનું ઉત્પાદન કરતા સૂક્ષ્મ એકમો, આઈસક્રીમ બનાવવાના એકમો, બેકરી ઉત્પાદક એકમો વગેરે, મુદ્રા લોન માટે પાત્ર છે.
• ટેક્સટાઇલ ઉત્પાદન : હેન્ડલૂમ, ચિકન વર્ક, ખાદી એક્ટિવિટી, ઝરી અને જરદોઝી વર્ક, એમ્બ્રોઇડરી અને હેન્ડવર્ક, કોમ્પ્યુટરાઇઝ્‌ડ એમ્બ્રોઇડરી, ડાઇંગ અને પ્રિન્ટિંગ, કપડા ડિઝાઇનિંગ, વગેરે માટે મુદ્રા લોનનો લાભ લઈ શકાય છે.
• વેપારીઓ અને દુકાનદાર : દુકાન માલિકો, વેપારીઓ, નાના સાહસોના માલિકો અને બિન-ખેતી આવક-ઉત્પાદક વ્યવસાયો ચલાવતા વ્યક્તિઓને રૂા.૧૦ લાખ સુધીની મુદ્રા લોન મળી શકે છે.
• સૂક્ષ્મ એકમો માટે સાધનસામગ્રી : માઈક્રો-એન્ટરપ્રાઈઝ સ્થાપવા માટે જરૂરી મશીનરી ખરીદવા માટે મુદ્રા લોન મેળવી શકાય છે.
• કૃષિ સંલગ્ન વ્યવસાય : મત્સ્યઉછેર, મધમાખી ઉછેર, મરઘાં, પશુધન, ડેરી વગેરે પ્રવૃત્તિઓ ઉપર મુદ્રા લોન મળવાપાત્ર છે.

error: Content is protected !!