“જસદણમાં રિવરફ્રન્ટ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડેલ નગર બનાવાશે” : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, આટકોટમાં આયુષ વિભાગ દ્વારા ૨૦ બેડની હોસ્પિટલ બનાવાશે
જસદણના માર્કેટીંગ યાર્ડ ખાતે જસદણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (નગર સેવાસદન) તથા ૧૫મુ નાણાં પંચ યોજના અન્વયે રૂ.૨૮૫.૦૫ લાખના ખર્ચે (નગર સેવાસદન) ઓફીસ બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતર્મુહુત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે થયું હતું. આ ઉપરાંત જસદણમાં રૂા.૬.૯૯ લાખના ખર્ચે થનારા વિકાસકામોના ખાતર્મુહુત અને રૂા.૯૪.૫૬ લાખના ખર્ચે થયેલા વિકાસ કામોનું લોકાર્પણ પણ મંત્રી બાવળીયાએ કર્યું હતું. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, જસદણ શહેરનો સર્વાંગી વિકાસ થાય, મોડલ નગર બને તે માટેના પ્રયાસો સરકારી સ્તરે થઈ રહ્યા છે. જસદણને નવું નગરપાલિકાનું આધુનિક બિલ્ડીંગ મળવા જઈ રહ્યું છે. શહેરને વિવિધ સુવિધાઓ તબક્કા વાર ઉપલબ્ધ થશે. જેમાં પીવાનું પાણી, રસ્તા, આવાસો, ટાઉનહોલ, રિવરફ્રન્ટ, પુર સંરક્ષણ દીવાલ, સંપ બગીચા, સી.સી.ટી.વી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી વધુ મળે તે માટેનું કામ ચાલી રહ્યું છે. જસદણ બસ સ્ટેન્ડનું રિનોવેશન, રમતગમતના મેદાન, વિજ્ઞાન પ્રવાહ સ્કૂલ માટે આધુનિમ લેબ, પુસ્તકાલયમાં વિશેષ સુવિધા ઉભી કરાશે. આટકોટમાં આયુષ વિભાગ દ્વારા ૨૦ બેડ હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં આવશે. આ વિસ્તારમાં ૫૬ તળાવો ઊંડા કરાયા છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ થશે. આ વેળાએ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર ડો.ધિમંતકુમાર વ્યાસે નગરપાલિકા દ્વારા થનારા વિવિધ વિકાસ કામો અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ મંત્રીના હસ્તે બિપરજાેય વાવાઝોડા વખતે અસરગ્રસ્તો માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિલેશભાઈ અમૃતીયા, અશોક મહેતા, ચીફ ઓફિસર રાજુ શેખ, મામલતદાર એસ.જે.અસવાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.