જૂનાગઢમાં સાફ-સફાઈ માટે ભાવનગર અને અમરેલી જિલ્લાની ૯ નગરપાલિકાની ટીમોની સઘન કામગીરી

0

જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે મદદમાં સાફ-સફાઈ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી : જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંકલનથી સોસાયટીના રસ્તાઓ ઉપર પૂરમાં તણાઈને આવેલો કચરો બહાર કાઢી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

જૂનાગઢમાં ગિરનાર ઉપર પડેલા ભારે વરસાદના કારણે આવેલા પૂર થી કાળવાનાં બંને કાંઠે આવેલી સોસાયટીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા સર્જાયેલી તારાજી બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં મોટાપાયે સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢમાં સફાઈ કાર્યને અગ્રતા આપવામાં આવી છે. જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમો ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને અમરેલી ને ભાવનગર જિલ્લાની નવ નગરપાલિકાની ટીમો જુદા જુદા વિસ્તારો આઈડેન્ટીફાય કરી તણાઈ આવેલો કચરો ગંદકી વિગેરે બહાર કાઢી વિવિધ સાધનો અને માનવબળથી કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની વેક્યુમ પંપ ટેન્ક થી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. બપોર બાદ પણ રાજકોટની એક ટીમ રાહતની કામગીરી માટે આવી રહી છે. સફાઈ કાર્યનું સંકલન કરી રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે બાબરા નગરપાલિકામાંથી ૧૦ સભ્યોની ટીમ ડ્રીમલેન્ડ ગોકુલ નગર વિસ્તારમાં સફાઈ કાર્ય કરી રહી છે તો પાલીતાણા ની ટીમ લક્ષ્મીનગરમાં છે. બગસરાની૧૪ની ટીમ રાયજીબાગમાં અને વલભીપુર નગરપાલિકાની ૧૧ સભ્યોની ટીમ ગણેશ નગર વિસ્તારમાં શ્રમ યજ્ઞ કરી રહી છે. દામનગરની ૮ કર્મીઓની ટીમ વાહન સાથે કાશી વિશ્વનાથ સોસાયટીમાં અને લાઠી નગરપાલિકાનીની ટીમ રાયજીબાગ માં કામ કરી રહી છે. અમરેલી નગરપાલિકાના ૧૫ કર્મચારીઓ કલેકટર કચેરી આસપાસ તેમજ સાવરકુંડલાના ૨૨ કામદારોની ટીમ વૈભવ ચોકથી બસ સ્ટેશન નો વિસ્તાર સાફ કરી રહ્યા છે. રાજુલાની ટીમ સરદાર બાગ આસપાસ સફાઈ કાર્ય કરી રહી છે.

error: Content is protected !!