જૂનાગઢમાં શનિવારે સાંબેલા ધારે પડેલા વરસાદના કારણે પુરના પાણી સર્વત્ર ફરી વળ્યા હતા. ખાસ કરીને ગિરનારના જંગલમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદના કારણે અનેક ખાના ખરાબી થઇ છે. સાથે ૨ મહિલા સહિત ત્રણનો ભોગ પણ લેવાયો છે. ગિરનારમાં પડેલા વરસાદના કારણે ભરડાવાવ પાસે ઘોડાપુર આવ્યું હતું. પુરનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું. દરમ્યાન ભરડાવાવ પાસે દિવાલ તૂટી પડતા ૫ વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા. જેમાં મહિલા પ્રોફેસર, એક ગૃહિણી અને એક યુવાનના મૃત્યું થયા હતા. દિવાલ તૂટી પડવાથી આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર, આઇસર અને ત્રણ રિક્ષા સહિતના વાહનો તણાયા હતા. સાથે બે મહિલા સહિતના ૫ થી ૬ લોકો તણાયા હતા. જેમાંથી મહિલા અધ્યાપક અને ગૃહિણીનું મૃત્યું નિપજ્યું હતું. ભરડાવાવની દુર્ઘટનાની માફક કૃષિ યુનિવર્સિટીની દિવાલ તૂટી જતા તેની નીચે દબાય જતા યુવાનનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું.
૨ વ્યક્તિને બચાવનાર પિતા પોતાની લાડકવાયી દીકરીને બચાવી ન શક્યા
દિપચંદાબેન ભરતભાઇ રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતા. તેમના પતિ ભરતભાઇ રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં સર્વિસ કરે છે. દિપચંદાબેન સર્વિસના કારણે જૂનાગઢ-આંબેડકરનગરમાં પિતાના સાથે રહેતા હતા અને શનિરવિમાં ખાંભલા જતા હતા અથવા તેમના પતિ અહિંયા આવતા હતા. કોલેજ પુરી કરી દિપચંદાબેન પોતાના પિતા સાથે કારમાં જતા હતા. દરમ્યાન ભરડાવાવ પાસે દિવાલ પડતા ૩ રિક્ષા, બાઇક, ટેમ્પો તણાયા. દિપચંદાબેનના પિતાએ અગાઉ રેસ્કયુની કામગીરી કરી હતી. બધા માનવ સાંકળ બનાવીને પસાર થઇ રહ્યા હતા ત્યાં હાથ છૂટી ગયો અને બધા ફંગોળાઇ ગયા હતા. દિપચંદાબેનએ થાંભલો પકડ્યો હતો પરંતુ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું અનેતેના નીચે તેઓ દબાઇ ગયા હતા. આઇશર નીચેથી જ તેમનો મૃતદેહ મળ્યો હતો. દિપચંદાબેનના ફાધર ચંદુભાઇ ધાધલે અન્ય ૨ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લીધા પરંતુ અફસોસ પોતાની દિકરીને બચાવી ન શક્યા.