ખંભાળિયા શહેરના પ્રવેશનો મુખ્ય માર્ગ મગરની પીઠ જેવોઃ કેટલાક જર્જરિત રસ્તાઓ નગરપાલિકાનું નાક કપાવે છે…

0

ઉચ્ચ કક્ષાએ મંજૂરીના અભાવે રસ્તાઓ ખખડધજ

ખંભાળિયા પંથકમાં તાજેતરમાં વરસી ગયેલા કુલ ૫૨ ઈંચથી વધુ વરસાદના કારણે અનેક રસ્તાઓ ખખડી ગયા છે. ખાસ કરીને ખંભાળિયામાં પ્રવેશવાનો જામનગર તરફનો માર્ગ તથા સ્ટેશન રોડ વિસ્તાર મંજૂરીના વાકે ઉબડખાબડ બની રહેતા લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા સમયાંતરે ઉચ્ચકક્ષાએ રસ્તાઓ માટે ખાસ ગ્રાન્ટ મેળવી અને નવેસરથી સી.સી. રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. હાલ ખાસ કરીને મહત્વનો એવો બેઠક રોડ, જડેશ્વર રોડ, પોરબંદર રોડ, જાેધપુર ગેઈટ પાસે જૂની ખડપીઠ રોડ, ભગવતી હોલ રોડ, તેમજ ટાઉનહોલ પાસે અને સુખનાથ મંદિર સહિતના રસ્તાઓ સીસી રોડ બનાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા અગાઉ “હોતી હૈ, ચલતી હૈ” ની નીતિ બાદ વર્તમાન બોડી દ્વારા રસ્તા મુદ્દે કોન્ટ્રાક્ટર પાસે ત્રણ વર્ષનું લેખિત ગેરંટીવાળું એગ્રીમેન્ટ કરાવી અને સીસી રોડ બનાવવામાં આવે છે. ત્યારે અહીંના શહેરમાં પ્રવેશવાના બે માર્ગો હજુ પણ ખૂબ જ ખખડી ગયેલા હોવાથી ખાસ કરીને વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે. જામનગર તરફથી ખંભાળિયા શહેરમાં પ્રવેશતા આવેલો રસ્તો કે જે અગાઉ પી.ડબલ્યુ.ડી. પાસે હતો. તે ઘણા વર્ષોથી વ્યવસ્થિત ડામર રોડ બન્યો ન હતો. આટલું જ નહીં આ રસ્તાને નગરપાલિકાએ મેળવી અને અહીં ખાસ રીપેરીંગ માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી અને ટેન્ડરિંગની વિધિ કરવામાં આવી છે. તેમ છતાં પણ અહીંનું ટેન્ડર ૧૨૮ ટકા અપ હોય, આ કામગીરી અટકી ગઈ છે. જેના ફળ સ્વરૂપ હજુ સુધી આ રસ્તો બની શક્યો નથી. આ ઉપરાંત અન્ય એક રોડ રેલવે સ્ટેશનથી નગર ગેઈટ તરફ જતો માર્ગ કે જે દર વર્ષે આશરે ૫૦-૬૦ ઈંચ ભારે વરસાદના કારણે ધોવાઈ જતો હોવાથી અહીં ડામર રોડના બદલે સી.સી. રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી છે જે અંગેનું પ્રકરણ મંજૂરી અર્થે રાજકોટની પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચોરીએથી હાલ ગાંધીનગર નીયામકમાં મોકલવામાં આવ્યું છે. જે અંગેની ફાઈલ હજુ મંજૂર ન થતા આ રસ્તો મગરની પીઠ જેવો બની રહ્યો છે. જાેકે નગરપાલિકા તંત્ર દ્વારા આ રસ્તા ઉપર હાલ પાંચ-છ દિવસે મોરમ પાથરીને ખાડા પૂરી અને કામ ચલાવ રીતે ગાડું ગબડાવવામાં આવે છે. ત્યારે આવા રસ્તા જ શહેરની છબી “ખાડા નગર” જેવી ઉભી કરે છે.

error: Content is protected !!