જૂનાગઢ શહેરમાં રૂપીયા ૧૭.પ૦ લાખના દાગીના, રોકડ સહિતની ચોરીના બનાવને પગલે પોલીસ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ગણતરીના સમયમાં જ આ ચોરીનો બનાવનો ભેદ ઉકેલી નાખવામાં આવે તેવો આશાવાદ દર્શાવાય રહ્યો છે. જૂનાગઢમાં સેમસંગ મોબાઈલ કંપનીના એરિયા મેનેજરના ઘરે બપોરે ધોળા દિવસે એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો ૪પ તોલા સોનાના દાગીના અને ૪ લાખની રોકડ મળી કુલ રૂપીયા ૧૭.પ૦ લાખની માલમતાની તસ્કરો ચોરી કરી જતા સસનાટી મચી જવા પામી છે. જૂનાગઢમાં લોઢીયા વાડી પાસે કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા સેમસંગ કંપનીના એરિયા મેનેજર રવિભાઈ ચંદુભાઈ વણઝાર(ઉ.વ.૩૮) તેમના મામા અમૃતલાલભાઈનું અવસાન થયું હોય આથી તેના શહેરમાં રાયજીબાગ ખાતે આવેલ ઘરે ગઈકાલે બપોરના ૧ઃ૧પ કલાકે પત્ની અને પુત્રી સાથે મકાનને તાળા લગાવીને જમવા માટે ગયા હતા અને બાદમાં એક કલાક પછી એટલે કે બપોરના રઃ૧પ કલાકે પોતાના ઘરે પરત આવતા મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું જાેવા મળ્યું હતું અને ઘરમાં સરસામાન વેર વિખેર જાેવા મળ્યો હતો. આમ એક કલાક માટે રવિભાઈ વણઝારાના બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો કબાટમાંથી રૂપીયા ૪ લાખની રોકડ તેમજ સોનાની બુટી સાથેનું મંગલસુત્ર તથા નાનું મંગલસુત્ર, સોનાની પોચી, બંગડી, બે લક્કી, ડોકયું, લેડીઝ ચેન, બ્રેસલેટ, ચુક, પેડલ તથા સોનાની ૧પ વીટી સહિત રૂપીયા ૧૩.પ૦ લાખની કિંમતના ૪પ તોલા સોનાના દાગીના મળી કુલ રૂપીયા ૧૭.પ૦ લાખની કિંમતનો મુદ્દામાલ ચોરીને તસ્કરો નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, બી ડીવીઝનના પીઆઈ નીરવ શાહ, એલસીબી વિગેરે પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ડોગ, એફએસએલ વગેરેની મદદ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જૂનાગઢમાં બે દિવસઅગાઉ એકલા રહેતા એક મહિલા મકાનમાંથી ૩.૩૦ લાખની માલમતાની ધોળા દિવસે ચોરી થઈ હતી. જેની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં દિન દહાડે રવિભાઈ વણઝારાના ઘરમાંથી રૂપીયા ૧૭.પ૦ લાખની માલમતાનો હાથફેરો તસ્કરો કરી જતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ઉપરોકત ચોરીના બનાવના ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરાઈ છે. રેન્જ આઈજી નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો તપાસ કરી રહી છે. તેમજ સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને સંબંધીત તમામ પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી ગણતરીના સમયમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાય જવા પામે તેવો આશાવાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિરવ શાહે દર્શાવ્યો હતો.