સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગનો કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી
જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં અકસ્માતે આગ લાગવાના બનાવોમાં જૂનાગઢનું ફાયર ફાઈટર અને તેની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને ઝડપી કાર્યવાહી કરી અને આગને કાબુમાં લઈ અને પ્રંશનીય કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. દરમ્યાન ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર આવેલ ઈ-બાઈકના શોરૂમમાં બેટરી ફાટતા ભીષણ આગ લાગી હતી અને જેની જાણ થતા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગના સ્ટાફે ઝડપી કાર્યવાહી કરી અને આ આગને કાબુમાં લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં કોસ્મિક નામે કોમ્પ્લેકસ આવેલું છે. આ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ ઇ-બાઇકના શોરૂમમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈ-બાઈકના શોરૂમમાં ૭ થી ૮ ઈ- બાઈક રાખેલી હતી, જેમાં કોઈ એક બાઈકમાંથી બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ શોરૂમની ઉપર જ ખાનગી હોસ્પિટલ આવેલી છે જેથી તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જાેકે, સદનસીબે આગ કાબુમાં આવી જતા જાનહાનિ ટળી છે. સતત ભીડ ભાડથી ભરેલા રહેતા વિસ્તારમાં આગ લાગતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ આગની ઝપેટમાં ૮ થી વધુ ઈ- બાઈક બળીને ભડથું થઇ હતી. ઈ-બાઈકના શો રૂમમાં આગ લાગ્યાની જાણ જૂનાગઢ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જાેકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા સૌપ્રથમ તો સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવતા આગ વધુ પ્રસરી શકી નહતી. બાદમાં ફાયરની ટીમ પહોંચી જતા તેમણે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ આગના બનાવ અંગે જૂનાગઢ ફાયર વિભાગના ચીફ ઓફિસર દિપક જાનીએ જણાવ્યું હતું કે, ઇ-બાઈકના શો રૂમમાં કોઈ બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગ લાગ્યાની જાણ થતા ૧૦ મિનીટમાં ફાયરની ટીમ પહોંચી હતી અને ૪૦ મિનીટમાં ૫,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઉપર હોસ્પિટલ હોય તે દર્દીથી ફૂલ ભરેલી જ છે તેમ સમજી તેની ગંભીરતાને ધ્યાને લઇ ડ્યુટી પુરી થઇ હોય તેમને પણ લઇ ટોટલ રેસ્ક્યુ ટીમને બોલાવી લીધી હતી જેથી રેસ્ક્યુ કે રિફર કરવાની સ્થિતી સર્જાય તો પણ પહોંચી વળાય. જાેકે, આગ કાબુમાં આવી ગઇ હતી. કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ રાખેલી છે અને તેને કઇ રીતે ઓપરેટર કરવી તેની પણ ટ્રેનિંગ અપાઇ હતી. માટે આગ લાગતા જ કોમ્પ્લેક્સના લોકોએ ફાયર ફાઇટીંગ શરૂ કરી દીધું હતું. તેમના આ સારા પ્રયાસથી આગ વધુ આગળ પ્રસરતા અટકી હતી. ચીફ ઓફિસર દિપક જાનીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, એનઓસી આપ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી કે આગ લાગે ત્યારે કેવા પગલા ભરવા જાેઈએ અને તે અંગેનું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને તે આજે લેખે લાગ્યું છે. ઈ-બાઈક શોરૂમમાં આગ લાગવાના બનાવ થતા જ સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયાસો તાત્કાલીક ધોરણે કર્યા હતા અને ત્યાં જૂનાગઢ ફાયર વિભાગનો કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. ચીફ ફાયર ઓફિસર દિપક જાની, ડીવીઝનલ ફાયર ઓફિસર યતીન સીવાણી તેમજ ફાયર સ્ટેશન ઈન્ચાર્જ કનુભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા ઝડપી ધોરણે અસરકારક પગલા લેવામાં આવ્યા હતા.