જૂનાગઢ શહેરમાં પુરપ્રકોપરૂપી આફતનું પડીકું માનવ સર્જીત જ આવી પહોંચ્યું હોવાનો ઘટસ્ફોટ

0

વગધારી બિલ્ડરો અને તેને સહયોગ આપનારા શાસકોએ જૂનાગઢને કરી નાખ્યું તબાહ

તાજેતરમાં રર જુલાઈના રોજ જૂનાગઢ શહેરના લોકોએ ભૂતકાળમાં કયારેય પણ ન જાેય હોય તેવો ભારે વરસાદ અને જલપ્રલયનું તાંડવને પગલે એકલા જૂનાગઢ શહેરને ૪૦ કરોડનું નુકશાન થયું હોવાના અહેવાલો છે. ધસમસતા આવતા પાણીના પુર શહેરમાં ફરી વળ્યા હતા અને તેને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઉચ્ચ કક્ષાએ આ અંગે અહેવાલો અને રજુઆતો થઈ છે. આ તબાહી પાછળ ખરેખર કોણ જવાબદાર છે ? તે અંગે પ્રક્રિયા ચાલી રહી છે. દરમ્યાન રાજય સરકારના આદેશને પગલે ત્રણ અધિકારીઓ જૂનાગઢ શહેરના વોકળા ઉપર થયેલા દબાણોના સર્વેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ત્યારે જાણકાર વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અભી ચંદાણીએ એક ચુકાદો જારી કર્યો હતો અને જેમાં વોકળા કે નદી-નાળાના કિનારાથી ૯ મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહી તેવો ચુકાદો આપેલ છે. પાણીના વહેણને અડીને બાંધકામ ન કરી શકાય તેવા આ ચુકાદાનું સરેઆમ ઉલ્લઘંન જૂનાગઢ શહેરમાં થયું છે અને જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોના અને ખાસ કરીને વોકળા ઉપર આડેધડ બાંધકામો કરી નાખવાના પગલે વોકળા સાંકડા થઈ ગયા છે અને જેને લઈને તેમાં આવતું પાણી શહેરના વિસ્તારોમાં ફરી વળ્યું છે. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં પડેલા અતિ વરસાદમાં ગિરનારના જંગલમાંથી આવતું પાણી કાળવા નદીમાં વહ્યું હતું. નદીઓ સાંકડી પડી હતી અને નદી અને વોકળા બંનેના વહેણ જૂનાગઢ શહેરમાં ફળી વળ્યા હતા. આ વહેણ ર૦૦ થી ૩૦૦ મીટર સુધીના ઘરો સુધી પુરના પાણી પ્રવેશી ગયા હતા. બીજી તરફ નરસિંહ મહેતા સરોવરમાં જતા વોકળાના મુખના દરવાજા પણ બંધ હતા અને પાણી તેના ઉપરથી વહીને દુર્વેશનગર તરફ ગયું હતું અને તેના કાંઠે આવેલા મકાનની દિવાલ તોડીને પાણી સોસાયટીમાં ફરી વળ્યું હતું. આ વોકળો તેની અસલ પહોળાઈ ધરાવતો હોત તો પાણીનું આ દબાણ ઘટી જાત અને આ મકાનની દિવાલ પણ તુટી ન હોત તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ ઉપરાંત રાયજીનગર, આલ્ફા સ્કૂલ અને મોતીબાગ વિસ્તારમાં પણ પાણીના પુર પ્રકોપે માજા મુકી હતી અને લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ભારે ખાનાખરાબી અનેક વિસ્તારોમાં થવા પામી છે. પરંતુ સૌથી કાળવાના વોકળાઓ પર ગેરકાયદેસર દબાણોએ ભારે નુકશાનીનો ખોપ ખોદી નાખ્યો છે. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં થયેલી તબાહી પાછળ કોણ જવાબદાર છે ? તે અંગે જૂનાગઢ શહેરના લોકો પણ જાણે છે, ખુદ શાસકો પણ જાણે છે અને રાજય સરકાર પણ હવે તો જાણી ચુકી છે ત્યારે આગામી દિવસોમાં આ બાબતે કડક કાર્યવાહી થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. તો બીજી તરફ બુધ્ધીજીવી વર્ગની લાગણી એવી પણ છે કે, કોકનું પાપ કોકના માથે ચડાવી અને કોઈ નિર્દોષના માથે ગુનો થોપી દેવામાં ન આવે તેવું પણ દિલથી કહી રહ્યા છે. જૂનાગઢ શહેરની તબાહી પાછળ જે કોઈ જવાબદાર છે તેના વિરૂધ્ધ સખ્ત પગલા લેવાની માંગ ઉઠી છે.

error: Content is protected !!