ખંભાળિયા પંથકમાંથી વધુ ૩૧૭૦ બોટલ નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો

0

ત્રણ સ્થળોએ દરોડા દરમ્યાન કુલ ૩૬ લાખની કિંમતની ૨૨ હજારથી વધુ બોટલ જપ્ત

ખંભાળિયા પંથકમાં છૂપી રીતે વ્યાપક પ્રમાણમાં વેચાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના કાળા કારોબારને પોલીસે ધ્વસ્ત કરી, છેલ્લા કેટલાક દિવસોથી અવિરત રીતે ઝુંબેશ ચલાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ખંભાળિયા સહિત જિલ્લામાં હેલ્થ ટોનિકની આડમાં વેચાતા અનધિકૃત મનાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપ સામે ખંભાળિયા પોલીસ, એલ.સી.બી. પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે સઘન કામગીરી કરી છે. આ કામગીરી દરમ્યાન ગઈકાલે સાંજે ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં ચોખંડા-બજાણા રોડ ઉપર રહેતા અને કોચિંગ ચલાવતા સામત ખીમા જામ નામના શખ્સ દ્વારા આલ્કોહોલ મિશ્રિત સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજભા જાડેજા તથા અહીંના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કાનાભાઈ લુણાને મળતા આ સ્થળે દરોડો પાડી, ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની દુકાનમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી-જુદી બે કંપનીની કુલ ૩,૦૮૦ બોટલ સિરપની સાંપળી હતી. આથી પોલીસે કુલ રૂપિયા ૪,૬૨,૦૦૦ ની કિંમતની ૩૦૮૦ આયુર્વેદિક સીરપનો જથ્થો સીઆરપીસી કલમ ૧૦૨ હેઠળ કબજે લઈ, આરોપી સામાત ખીમા જામની પૂછતાછ હાથ ધરી છે. આ સાથે ખંભાળિયા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના કિશોરસિંહ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની રૂપિયા ૧૩,૪૫૦ની કિંમતની આયુર્વેદિક સીરપની ૯૦ બોટલ કબજે કરી, સીઆરપીસી કલમ ૧૦૨ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે. આમ, ગઈકાલે ખંભાળિયાના ઈન્ચાર્જ એન.એચ. જાેશી તથા સ્ટાફ દ્વારા એસ.ઓ.જી. પોલીસને સાથે રાખીને જુદા જુદા બે વિસ્તારોમાંથી કુલ રૂપિયા ૪,૭૫,૪૫૦ ની કિંમતની ૩૧૭૦ બોટલ આલ્કોહોલ મિશ્રિત સીરપનો જથ્થો કબજે લઈ, ધોરણસર કાર્યવાહી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી અહીંની પોલીસ દ્વારા આજ સુધી નશાકારક આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક હેલ્થ ટોનિકની જુદી જુદી બ્રાન્ડની રૂા.૩૫,૯૧,૮૭૧ ની કિંમતની કુલ ૨૨,૦૭૧ બોટલનો તોતિંગ જથ્થો કબજે કર્યો છે.

error: Content is protected !!