ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી અબોલ પશુઓની અવિરત રીતે સેવા કરતા યુવા કાર્યકરો સાથેની સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓના સહયોગથી સાંપળેલી સુવિધાસભર “એનિમલ એમ્બ્યુલન્સ”નું ગઈકાલે બુધવારે બપોરે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો, સંતો, મહંતો વિગેરે ખાસ જાેડાયા હતા.
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગૌવંશ ઉપરાંત પક્ષીઓની સેવા માટે હંમેશા સક્રિય રહેતી જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને મૂળ ખંભાળિયા અને હાલ વાપી ખાતે રહેતા વિજયભાઈ ગોવિંદભાઈ તન્ના તેમજ મૂળ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના અને હાલ ગાંધીનગર ખાતે રહેતાં સામતભાઈ કુંભાભાઈ ગઢવીના આર્થિક સહયોગથી એનિમલ એમ્બ્યુલન્સ માટે સહયોગ સાંપળ્યો હતો. પશુ સારવારને લગતી વિવિધ સુવિધાઓ સાથેની આ એનિમલ એમ્બ્યુલન્સ કે જે રૂપિયા બાર લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, તેનું લોકાર્પણ બુધવારે અહીંના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવેલા આ લોકાર્પણમાં પૂજ્ય આઈ શ્રી હિરલ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા.
વિવિધ સુવિધાઓ સાથેની આ એમ્બ્યુલન્સ એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય અને સેવાભાવી કાર્યકર દેશુરભાઈ ગઢવી, અશોકભાઈ નરા તેમજ અન્ય ગૌ સેવકોને સફળતા ગૌવંશ તેમજ પશુ-પક્ષીની તાત્કાલિક અને સુવ્યવસ્થિત રીતે સારવાર શક્ય બનશે તેવા પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખંભાળિયાની વિવિધ સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી પરાગભાઈ બરછા, કિરીટભાઈ મજીઠીયા, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, વનરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, હિતેન્દ્રભાઈ આચાર્ય, ઈન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ મજીઠીયા, જીગ્નેશભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ઉપરાંત લોકાર્પણ પ્રસંગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી પણ ગૌસેવકો ખાસ જાેડાયા હતા.