અધિક માસ નિમિત્તે વિશ્વ વિખ્યાત જગત મંદિર દ્વારકાધીશના સાનિધ્યમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે બુધવારે પારણા નોમ પ્રસંગે જગત મંદિરમાં એક દિવસમાં બે વખત અન્નકૂટ મનોરથ યોજાયા હતા.
પારણા નોમ નિમિત્તે સવારે શૃંગાર આરતી તેમજ સાંજે ઉત્થાપનના દર્શન તેમજ આકર્ષક શૃંગાર સાથેના દર્શનથી ભક્તો ભાવવિભોર થયા હતા. ખાસ કરીને આજે સવારે અને સાંજે બે વખત યોજવામાં આવેલા અન્નકૂટ મનોરથના દર્શનનો લાભ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લીધો હતો. બુધવારે ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ કૃષ્ણ ભક્તોએ પારણા નોમ નિમિત્તે યોજાયેલા અન્નકૂટ મહોત્સવને નિહાળ્યો હતો. આ પૂર્વે મંગળવારેરાત્રે ૧૨ વાગ્યે અધિક જન્માષ્ટમી નિમિત્તે ભાવિકોના ઘોડાપૂર વચ્ચે મંદિર પરિસર “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે ગઈકાલે સવારે સાત વાગ્યે મંગળા આરતી સમયે ઠાકોરજીને પારણા કરાવાયા હતા. શ્રીજીના ઉત્સવ સ્વરૂપને પારણામાં ઝુલાવાનો ભાવ વ્યક્ત કરાયો હતો. જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા.
દ્વારકાધીશ મંદિરમાં શ્રદ્ધાળુઓ, ભક્તોને કોઈ હાલાકી ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મંદિર વ્યવસ્થાના મુખ્ય અધિકારી સમીર સારડા તથા સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.