ખંભાળિયામાં આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના કાળા કારોબાર સંદર્ભે પંજાબના ઉત્પાદક સહિત ત્રણ શખ્સો સામે ગુનો દર્જ

0

થોડા દિવસ પૂર્વે પોલીસે રૂા.સવા ૨૬ લાખની ૧૫,૬૨૪ બોટલ કબજે કરી હતી

ખંભાળિયા શહેર તથા તાલુકામાંથી સમયાંતરે આયુર્વેદિક હેલ્થ ટોનિકની આડમાં નશાકારક પીણું વેચતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગત તારીખ ૬ ઓગસ્ટના રોજ ખંભાળિયામાંથી ઝડપાયેલ આ પ્રકારની રૂપિયા ૨૬.૨૮ લાખની કિંમતની ૧૫,૬૨૪ સીરપની બોટલ સંદર્ભે ખંભાળિયા પોલીસે પંજાબ ખાતે રહેતા મુખ્ય સપ્લાયર તેમજ ખંભાળિયાના વેપારી સહિત ત્રણ શખ્સો સામે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશીએ પંજાબના સંગુર ખાતે રહેતા પંકજ ખોસલા, ખંભાળિયામાં બંગલા વાડી – શક્તિનગર વિસ્તારમાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી તેમજ તેના મિત્ર અકરમ નજીર બાનવા (રહે. શક્તિનગર – ખંભાળિયા) સામે ગુરુવારે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ પંજાબ ખાતે રહેતા આરોપી પંકજ ખોસલાએ અહીંના વેપારી ચિરાગ થોભાણીની સાથે મળી અને પોતાના અંગત લાભ મેળવવા માટે ગુનાહિત કાવતરૂ રચી અને આ પ્રકરણમાં સરકારના ગુજરાતના નશાબંધી અધિનિયમની કલમનું ઉલંઘન કરી, પંકજે મોકલાવેલી જુદાજુદા નામવાળી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ (આયુર્વેદિક સીરપ)ની બોટલો આરોપી ચિરાગે મંગાવી અને તેના મિત્ર અકરમ બાનવાને સાચવવા માટે આપી, આ સીરપનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસના દરોડામાં “દ્રાક્ષ સવા” સીરપની ૫૫૪૪ બોટલ, “તંદ્રા અશ્વ, સ્ટ્રેસ રીલીફ”ની ૮૧૬૦ બોટલ તેમજ આ જ કંપનીની ૬૦૦ મી.લી.ની ૧૯૨૦ બોટલ મળી કુલ ૧૫,૬૨૪ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી શખ્સો દ્વારા આ ગુનાહિત કાવતરું રચી અને સીરપની બોટલ ઉપર બનાવટી નામ તથા બનાવટી લાયસન્સ નંબરના સ્ટીકર – લેબલ લગાવી અને આ સીરપ વેચાણના બિલમાં બીજા સીરપના બદલે અન્ય ખોટા નામ લખી આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં કુલ રૂપિયા ૨૬,૨૮,૪૫૬ ની કિંમતની આ પ્રકારની આયુર્વેદિક સીરપની આડમાં નશો કરવાની બોટલો રાખવા તેમજ વેચાણ કરવા સબબ ખંભાળિયા પોલીસે ઉપરોક્ત ત્રણે શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તેમજ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં આગળની તપાસ સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!