જૂનાગઢમાં અસામાજીક પ્રવૃતિ વિરૂધ્ધ પોલીસની ઝુંબેશ : દારૂના ધંધાર્થીના ઘરમાં રૂા.૧૦.પ૦ લાખ રોકડ તેમજ ૪૦ લાખના દાગીના મળ્યા

0

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેષ ધાધલીયા અને ઉચ્ચ અધિકારીઓના પોલીસ કાફલા દ્વારા તપાસનો ધમધમાટ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાનુની પ્રવૃતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને દેશી દારૂ તેમજ વિદેશી દારૂ વિરૂધ્ધમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં પ્રોહિબિશન ડ્રાઈવ દરમ્યાન દારૂના એક ધંધાર્થીના મકાનમાંથી રૂા.૧૦.પ૦ લાખની રોકડ અને રૂા.૪૦ લાખના દાગીના મળી આવતા ઉલટ તપાસ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ જિલ્લામાં ડીઆઈજી નિલેશ જાજડીયાની સૂચનાથી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં પ્રોહિબિશન ડ્રાઈવ કરવામા આવી હતી. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા ૧૩.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ દરમ્યાન જૂનાગઢ શહેરના પંચેશ્વર અને સી ડિવિઝન વિસ્તારમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તથા પ્રોબેશનલ ડીવાયએસપી નિકિતા શિરોયાના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે. જે. પટેલ તથા એ ડિવિઝનના પીઆઇ એ. જી. જાદવ સહિતના પોલીસ કાફલાએ દારૂ બનાવવાના વોશ તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૧૦,૪૦૦નો ૪૮૪ લીટર દારૂ તેમજ ૨૯, ૦૨૦નો ૯,૫૮૦ લીટર દારૂ બનાવવાનો આથો કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રવેશ ઉર્ફે રોકી લાખાભાઈ ભારાઈને ૫૫૨ બોટલ દારૂ સહિત ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત મધુરમ વિસ્તારના ધવલ કિશોરભાઈ મહેતા પાસેથી ૬૯૬ બોટલ દારૂ સહિત રૂપિયા ૧.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ પોલીસ દ્વારા દેશી તથા વિદેશી દારૂના કુલ ૧૭૫ કેસ કરવામાં આવ્યા હતા અને કુલ રૂપિયા ૧૩,૧૧,૧૨૦નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓ સહિતના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરમ્યાન જૂનાગઢમાં પ્રોહિબિશન ડ્રાઇવ દરમ્યાન પોલીસે ફરાર બુટલેગરોને ત્યાં પણ તપાસ હાથ ધરી હતી. ગાંધીગ્રામમાં ધરમ અવેડા પાસે રહેતા ભુપત પુંજાભાઈ કોડીયાતરના મકાનને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં તેના ભાઈ પાંચા કોડીયાતર પાસેથી આધાર પુરાવા અને બિલ વગરના રૂપિયા ૪૦.૦૪ લાખની કિંમતના સોના- ચાંદીના દાગીના ઉપરાંત ૧૦.૫૦ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે શક પડતી મિલ્કત તરીકે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!