આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રો, શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રાનો પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી જિલ્લા કલેકટર અશોક શર્મા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી વિગેરેએ પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા જી.વી.જે. સ્કુલ રોડ – નગર ગેઈટ, બેઠક રોડથી પ્રાંત અધિકારી કચેરી સુધી યોજાઇ હતી. હાથમાં તિરંગા સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગાઈ ગયું હતું. યાત્રાનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકો જાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભે બેન્ડ, મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા. યાત્રા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સર્વેએ વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જિલ્લા કલેકટર અશોક શર્માએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે. આજે આ તિરંગા યાત્રામાં જોડાઈ આપ સર્વેએ દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ રેલીમાં “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમના ભાજપના ઇન્ચાર્જ તરીકે રાજુભાઈ ભરવાડ પણ સાથે રહ્યા હતા. આ યાત્રામાં પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, મામલતદાર વિક્રમ વરુ, નગરપાલિકા પ્રમુખ ભરત વ્યાસ, સાથે અગ્રણીઓ વનરાજસિંહ વાઢેર, કિશોરસિંહ જાડેજા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, ઈન્દ્રજીતસિંહ પરમાર સાથે વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા.