Sunday, September 24

દિવાળી પૂર્વે એકસાથે ૧૦૦ મ્યુનિ. હેલ્થ વેલનેસ સેન્ટરો ધમધમશે

0

માર્ચ-૨૦૨૦માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-૨૦૨૧માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે ઘરે કોરોનાએ આતંક ફેલાવ્યો હતો. સ્મશાનગૃહોની ચીમની સુધ્ધાં મૃતદેહોના અગ્નિસંસ્કારના પગલે પીગળી જતી હતી. અનેક નામાંકિત ડોક્ટરોનો કોરોનાએ ભોગ લેતાં ખાનગી હોસ્પિટલો તો ઠીક ખાનગી દવાખાનાં પણ ઉજ્જડ ભાસતાં હતાં. તેવા સમયે મ્યુનિ. કોર્પોરેશનનાં ૮૨ અર્બન હેલ્થ સેન્ટરો તેમજ ૧૨ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોએ પ્રજાનો સાથ મક્કમતાથી નિભાવ્યો હતો. દર્દીઓને ઘરઆંગણે તાવ, શરદી, ખાંસી સહિતના રોગની સારવાર પૂરી પાડવા તંત્રે ખાસ ધન્વંતરિ રથ સેવા શરૂ કરી હતી.
એક સમયે શહેરમાં ૧૨૦ ધન્વંતરિ રથ લોકોની મેડિકલ સહાયતા માટે દોડતા હતા. આવી આશીર્વાદરૂપ સેવાનો લાખો લોકોએ લાભ લીધો હતો. કોરોના દર્દીઓ માટેની સંજીવની રથ સેવા, સિનિયર સિટીઝન રથ સેવા પણ લોકોમાં ખૂબ વખણાઈ હતી. હવે મ્યુનિ. હેલ્થ વિભાગે ઘરઆંગણે મેડિકલ સુવિધાના ઉમદા હેતુને પાર પાડવા શહેરમાં ઠેર ઠેર અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર શરૂ કરવા લીધાં છે. અમદાવાદના લગભગ તમામ સ્લમ વિસ્તારોમાં એક-એક અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર એટલે કે યુએચડબ્લ્યુસી મળીને કુલ ૧૦૦ જેટલાં અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર દિવાળી પહેલાં ધમધમતાં થઇ જશે.
શહેરમાં જાે સિમેન્ટ-કોંક્રીટનાં ભવ્ય એવાં ગગનચુંબી બિલ્ડિંગોથી સમૃદ્ધિનાં ચોતરફ દર્શન થઇ રહ્યાં તો બીજી તરફ રોજેરોજ ગુજરાતના વિભિન્ન વિસ્તાર ઉપરાંત દેશના બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓડિશા જેવા દૂર-સુદૂરનાં રાજ્યોમાંથી વખાના માર્યા અને લોકો પેરટિયું રળવા અમદાવાદ આવે છે. આવા લોકોના વસવાટથી ઝૂંપડપટ્ટી એટલે કે સ્લમ એરિયા વધતો જાય છે. એક અંદાજ પ્રમાણે શહેરની ૪પ ટકાથી વધુ વસ્તી સ્લમ વિસ્તારમાં રહે છે. આવા સ્લમ વિસ્તારને આવરી લેનારા અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટરના નવતર અભિગમ હેઠળ અગાઉ ૨૦ સેન્ટર કાર્યરત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત વધુ ૪૦ સેન્ટરને કાર્યરત કરવા માટેની તમામ તૈયારીઓ આરંભાઈ ગઈ છે તેમ મ્યુનિ. હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ જણાવે છે.
શહેરમાં કાર્યરત કરાયેલાં ૨૦ અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટરની માહિતી આપતાં હેલ્થ કમિટીના ચેરમેન વધુમાં જણાવે છે કે ઇસનપુરમાં જૂની મસ્ટર ઓફિસ, વટવામાં સ્મૃતિ મંદિર, ઘોડાસર ગામ આંગણવાડી, પીપળજ શાહવાડીમાં આંબેડકરવાસની બાજુમાં, લાંભાના રંગોળીનગરમાં શાંતિનગર દીનદયાળ ગ્રાહક ભંડાર સામે, નાના ચિલોડા ગામમાં મ્યુનિ. કોમ્યુનિટી હોલ, કોતરપુર ગામમાં નવું રેન બસેરા બિલ્ડિંગ, ઓઢવમાં ઇન્દિરા ગરીબ આવાસ યોજના, ભાઇપુરામાં અમરાઇવાડી ગુજરાતી શાળા નંબરઃ૧૪-૧૫, નવરંગપુરામાં લખુડી તળાવ હાઉસિંગ સોસાયટી, રાણીપમાં બલોલનગર ઇડબ્લ્યુએસ ક્વાર્ટર્સ, ચાંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજના કેશવ એપાર્ટમેન્ટ, ચાંદખેડા ગામમાં મસ્ટર ઓફિસ, સાઉથ બોપલમાં બોપલ નગરપાલિકા, બાકરોલમાં બાકરોલ સબ સેન્ટર, વેજલપુરમાં જૂની નગરપાલિકા ઓફિસ, ગોતામાં ચાણક્ય આવાસ યોજના, ચાંદલોડિયામાં જૂના અર્બન હેલ્થ સેન્ટર બિલ્ડિંગ, હેબતપુર ગામમાં પંચાયત ઓફિસ પાસે અને જમાલપુરમાં પાંચ પીપળીના જૂના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગરીબ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
હવે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા વધુ ૪૦ અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટરને ધમધમતાં કરવાની તૈયારી અંતિમ તબક્કામાં હોઈ અમુક સેન્ટરો તો ચાલુ થઈ ગયાં છે તેમ પણ ચેરમેન પટેલ જણાવે છે, જેમાં પશ્ચિમ ઝોનના મોટેરામાં એકલવ્ય એપાર્ટમેન્ટ, નવા વાસણામાં ભવાનીનગર, જૂના વાડજમાં ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સ હાલારનગર, રાણીપમાં જૂનું અર્બન હેલ્થ સેન્ટર અને પાલડીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શ્રી શક્તિનગર ખાતે હેલ્થ-વેલનેસ સેન્ટરનું આયોજન કરાયું છે.ઉત્તર પશ્ચિમ ઝોનના શીલજ ગામમાં ગ્રામ સમાજની વાડી, દક્ષિણ પશ્ચિમ ઝોનના બોપલમાં બોપલ સિવિક સેન્ટર, જાેધપુરમાં નવી વોર્ડ ઓફિસ સિવિક સેન્ટર, સંકલિતનગરમાં એપીએમસી માર્કેટની પાછળ આવેલી મકતમપુરા વોર્ડ ઓફિસ ખાતે નવા અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટરની ભેટ શહેરીજનોને મળવાની છે. જ્યારે મધ્ય ઝોનમાં ચાર, પૂર્વ ઝોનમાં સાત, દક્ષિણ ઝોનમાં આઠ સ્થળે અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર બની રહ્યાં છે.

error: Content is protected !!