ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા વિશ્વપ્રસિદ્ધ રહ્યું છે, જેણે સંસ્કૃતિ અને કલાનો ધ્વજ હંમેશા ઊંચો ફરકતો રાખ્યો તેની પાછળ મહારાજા સયાજીરાવ ત્રીજાની કલા અને શિક્ષણ પાછળની મહામૂલી દ્રષ્ટિ ગણાવી શકાય. જેમણે ગુજરાતના ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન ભૂખ સંતોષાય અને લેખકોની કલમને બળ અને પ્રોત્સાહન મળે છે. એ માટે બે લાખના વ્યાજમાંથી પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું તથા સંસ્કૃતિ અને વિદ્યા પ્રચાર અને જાળવણીનું કામ પ્રાચ્યવિદ્યામંદિર એટલે કે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ કરે છે. આજે શ્રી સયાજી સાહિત્યમાળાનું ૩૮૪મું પુષ્પ જૂનાગઢની ખ્યાતનામ ડો.સુભાષ મહિલા કોલેજના અધ્યાપક ડો. પ્રદ્યુમ્ન ખાચરે ‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ આલેખેલ છે. જેના લોકાર્પણનો સોનેરી અવસર સંસ્કારનગરીમાં પ્રાચ્ય વિદ્યામંદિર ખાતે તા.૧૭-૮-૨૦૨૩ને ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે ઉજવાય રહ્યો છે. આ પુસ્તકનું લોકાર્પણ વડોદરાના રાજમાતા શુભાંગીની રાજેના શુભ હસ્તે કરવામાં આવશે, આ અવસરે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરાના કુલપતિ ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ અતિથિવિશેષ પદ શોભાવશે. આ ગ્રંથના લેખક ઇતિહાસના અધ્યાપક, સંશોધક, કટાર લેખક, યુટયુબર તરીકે પ્રસિદ્ધ રહ્યા છે. આ પુસ્તકના કુલ ૨૬ પ્રકરણોમાં સોરઠ અને બરડાપ્રદેશનો ઇતિહાસ ભૂગોળ, વિવિધ રાજ સત્તાઓ, પદ્ય સાહિત્ય, સોરઠ બરડાની વિભૂતિઓ, મંદિરો, સંસ્કૃત પાઠશાળા, મેળાઓ તથા એ સમયની રેલવે વ્યવસ્થા, ખેતીવાડી વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ગીરના જંગલની વ્યવસ્થા, ગિરનાર પર્વતની વહીવટી વ્યવસ્થા તથા સોરઠ પ્રદેશમાં થયેલી પુરાતત્વીય અને સાહિત્યિક પ્રવૃત્તિ વગેરેને સાડા ચારસો સબળ આધારો અને અસલ દફ્તરો તપાસી આલેખન કરવામાં આવ્યું છે. સોરઠ અને બરડા પ્રદેશ ઉપર જે કોઈ વધુ સંશોધન કરવા માંગતા હોય કે પોતાના વિચારોને આગળ વધારવા માંગતા હોય, જાણવા માંગતા હોય તેમને આ પુસ્તક અવશ્ય પથપ્રદર્શક બની રહેશે. આ ગ્રંથને પાને પાને આધાર ટાંકેલ હોવાથી વાચકને તે વિશેષ વાંચન તરફ દોરી જશે. આ ઋષિવર્ય કાર્યને આપણે અભિનંદન આપીએ જેથી એ ગ્રંથના લખાણને પાંખાળી પ્રસિદ્ધિ મળે અને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એમાં આપણું પણ તલભાર યોગદાનમાં સરસ્વતીના ચોપડે નોધાય એવી આશા રાખીએ. આ પુસ્તક પ્રાચ્યવિદ્યા મંદિર વડોદરાએ પ્રગટ કરેલ છે. આજ સુધીમાં ડો.પ્રદ્યુમ્ન ખાચરએ સમાજને ચરણે એકત્રીસ પુસ્તકો ધર્યા છે જેમાં જૂનાગઢ સંબધિત પાંચ પુસ્તકો આપી સોરઠને મૂલ્યવાન ગૌરવ અપાવ્યું છે.