WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવચનના મુખ્ય અંશો

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ સમિટના હેલ્થ એન્ડ વેલબીઈંગ ફોર ઓલના ભાવ સાથે સુસંગત અને ઉપયુક્ત છે. ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો પ્રારંભ ગાંધીનગરમાં WHOના વડા ડો. ટેડ્રોસ અધનોમ ગેબ્રિયેસસ, દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેંદ્રીય આયુષ રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ભુટાનના આરોગ્યમંત્રી કુ. લ્યોંપો દશો દેચેન વાંગ્મો, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, WHOના રિજનલ ડિરેક્ટર્સ ડો. પુનમ ખેત્રપાલ, ડો. વિવિઆન તાતિઆના અને ડો. હંસ ક્લુગેની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને ‘વસુધૈવ કુટુંબકમ’ વિચારધારા વિશ્વને આપી છે. એટલું જ નહીં, આ સંસ્કૃતિ હંમેશા સમગ્ર માનવ જાતિના કલ્યાણ અને સારા સ્વાસ્થ્યની પણ કામના કરે છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ માનવ જાતના સારા સ્વાસ્થ્ય માટે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસત દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન વિશ્વની પીડા ઓછી કરવા માટે પ્રતિબદ્ધ છે અને ૨૧મી સદીના ભારતના અનુભવો તથા જ્ઞાન વિશ્વ સાથે શેર કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. જ્યારે વિશ્વ આખું કોરોના મહામારીના ભયના ઓથારમાં હતું ત્યારે વડાપ્રધાનએ આયુષ-આયુર્વેદ સેક્ટરને વિકસિત કરીને આયુર્વેદીક ઉકાળા, દવાઓ અને અન્ય ઉત્પાદનોથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મોટું પ્રદાન કરેલું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના પછી દુનિયાભરમાં આયુર્વેદ દવાઓ અને ઉત્પાદનોની માંગ વધી ગઈ છે અને પારંપરિક ચિકિત્સાની સદીઓ જૂની ભારતીય પદ્ધતિઓ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં WHOના ટ્રેડિશનલ મેડિસિન માટેના ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે જામનગરને પસંદ કરવામાં આવ્યું છે, તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ-ITRA જામનગરમાં કાર્યરત થતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વ સ્તરીય હેલ્થ કેર સંસ્થાના રૂપમાં અગ્રેસર આ ITRAમાં ૧૪ વિભાગો અને NABL માન્યતા પ્રાપ્ત ૬ પ્રયોગશાળાઓ કાર્યરત છે. વડાપ્રધાનએ આયુર્વેદ ચિકિત્સા અને ઉત્પાદનોને જે મહત્વ આપ્યું છે તેના પરિણામે આયુષ મંત્રાલય દર વર્ષે ધનવંતરિ જયંતિને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવે છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે આયુષ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન્સની અસિમિત સંભાવનાઓની વિસ્તૃત વિગતો આપતા ઉમેર્યું કે, પોષક તત્વો હોય, દવાઓની સપ્લાય ચેઈનનું મેનેજમેન્ટ હોય કે આયુષ આધારિત ડાયાગ્નોસ્ટીક ટુલ્સ કે ટેલિમેડિસિન દરેક સેક્ટરમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટને અવકાશ છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી તથા યોગને વૈશ્વિક મંચ ઉપર લઈ જવા આયુષ વિઝા અને આયુષ માર્કની ઘોષણા કરવામાં આવેલી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે આવનારા વર્ષોમાં આયુષ સેવાઓનું વિકસતા દેશો સાથે આદાન-પ્રદાન પણ હીલ ઇન ઇન્ડીયા-હીલ બાય ઇન્ડિયા પોલીસી અન્વયે થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ભારતની પ્રેસિડેન્સીમાં યોજાઇ રહેલી G-૨૦ શિખર પરિષદ અન્વયે આરોગ્ય મંત્રીઓની બેઠકના ભાગરૂપે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ વિષયે WHOની આ સૌપ્રથમ સમિટ ગાંધીનગરમાં ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમ્યાન યોજાવાની છે. ‘તમામ માટે સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ’ ની થીમ સાથે આયોજિત આ સમિટમાં સ્વાસ્થ્ય સામેના પડકારોનું સમાધાન કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પ્રગતિને વેગ આપવા માટે આ પરંપરાગત, પ્રશંસાત્મક અને સંકલિત ચિકિત્સાની ભૂમિકા ઉપર સામૂહિક વિચાર મંથન થવાનું છે.

error: Content is protected !!