જૂનાગઢના પ્રવાસનને વેગ આપવામાં મહત્વનું આકર્ષણરૂપ ગણાતો રોપ-વે છેલ્લા ૧૯ દિવસથી બંધ રહ્યો હતો. ભારે પવન, વરસાદ જેવા પ્રતિકુળ વાતાવરણને કારણે રોપ-વે બંધ રખાયો હતો. જાેકે, હવે વાતાવરણમાં થોડો સુધારો થતા રોપ-વે ફરી શરૂ કરાયો છે. ગિરનાર પર્વત ઉપર રોપ-વે સેવા શરૂ થતા પ્રવાસીઓમાં એક વધારાનું આકર્ષણ ઉભું થયું છે. રોપ-વેના કારણે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ભારે પવનની અસર જણાય તો રોપ-વે સેવા બંધ કરવાની કંપનીને ફરજ પડે છે. દરમ્યાન હાલ ચોમાસાની સિઝનને લઇ રોપ-વે સેવા ૧૯ દિવસ બંધ રખાઇ હતી. આ અંગે રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનને લઇ ભારે વરસાદી વાતાવરણ રહ્યું હતું. સાથે તેજ ગતિથી પવન પણ ફુંકાતો હતો. જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી રોપ-વેનું સંચાલન ૧૯ દિવસ સુધી બંધ કરાયું હતું. હવે વાતાવરણમાં થોડો બદલાવ આવતા રોપ-વે શરૂ કરાયો છે. જાેકે, ગુરૂવારે માત્ર સિંગલ ટિકીટ એટલે કે ઉપર જવાની જ ટિકીટ ઇશ્યુ કરાઇ હતી. વળતા પ્રવાસીઓએ સિડી ઉતરીને આવવું પડશે. જાે, હવે વાતાવરણ સાવ અનુકુળ રહેશે તો રોપ-વે સેવા પૂર્વવત કરાશે.