પવિત્ર શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ
અધિક પુરૂષોતમ માસની પુર્ણાહુતી થયા બાદ ગઈકાલથી દેવાધી દેવ ભગવાન શંકરની ભકિતમાં લીન થવા માટેનો અવસર એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવાલયોમાં હર હર મહાદેવ હરનો નાદ ગુંજી ઉઠયો છે. વહેલી સવારથી જ શિવજીના મંદિરોમાં પૂજન-અર્ચન-આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા અને ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા ભૂતનાથ મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉપરાંત ભૂતનાથ મહાદેવને લાઈટ ડેકોરેશન સાથે રોશનીથી શણગારવામાં આવેલ છે અને ગઈકાલે લાઈટ ડેકોરેશનથી સજ્જ ભૂતનાથ મહાદેવનો દિવ્ય શણગાર થયો હતો. જૂનાગઢનો નાથ જય ભુતનાથ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરને ઝળહળતું રોશનીથી કરવામાં આવ્યું હતું અને મહાદેવને દિવ્ય શણગાર કરાયો હતો. જેનું એક લોકાર્પણનો કાર્યક્રમ જિલ્લા કલેકટરના હસ્તે રખાયો હતો. જેમાં અંબાજીના મહંત શ્રી તનસુખગીરી બાપુ અને ભુતનાથ મહાદેવના મંદિરના મહંત શ્રી મહેશગીરીબાપુ સહિતના અગ્રણી, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશગીરીબાપુના માર્ગદર્શન તેમજ તમામ ટ્રસ્ટીઓના સહયોગ સાથે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ભાવિકોને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.